'ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?' ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે
Gujarat BJP News | એનડીએ ગઠબંધનનાં સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન મળ્યુ છે ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદ ખાલી પડ્યું છે. એ જોતાં કોને ગુજરાત ભાજપનું સુકાને સોંપવામાં આવશે તે અંગે કેટલાંક નામોની ચર્ચા શરૂ થઈ છે. પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં નવા પ્રદેષ પ્રમુખની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ચર્ચા છે કે, આ જ મહિનામાં ગુજરાત ભાજપના માળખામાં ધરખમ ફેરફાર થાય તેવા એંધાણ છે. પહેલાં ભાજપના પ્રદેશ સંગઠનમાં સાફસુફી કરાશે ત્યારે બાદ મંત્રીમંડળનુ વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
ગુજરાતમાં રાજકીય ઈતિહાસ રહ્યો છે કે, ભાજપનુ સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોપાયુ છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો, ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણમંત્રી કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે. ઓબીસી સમાજની વાત કરવામાં આવે તો, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ ટોપ પર છે. મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને થાળે પાડીને આણંદ બેઠક જીતવામાં દેવુસિંહ ચૌહાણની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ઓબીસી નેતા તરીકે કે મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરીના નામો પણ રેસમાં છે. સાથે સાથે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અને ઓબીસી મોરચાના પુર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયાનું નામ પણ ચર્ચામાં છે. પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડફિયાને સ્થાન મળી શકે છે. ઝડફિયા ભાજપના સિનિયર નેતા અને અનુભવી ચહેરો છે.
જયારે રજની પટેલનું નામ પણ સંભવિત પ્રદેશ પ્રમુખની રેસમાં છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક પ્રદેશ પ્રમુખપદની રેસમાં છે. જો આદિવાસી જ્ઞાતિમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામની ચર્ચા છે. આમ, પાટીલની દિલ્હી વિદાય બાદ જરાતમાં નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ કરાઈ છે. હવે હાઈકમાન્ડ કોન શિરે તાજ મૂકે છે તે તો સમય જ કહેશે. માત્ર પ્રદેશ પ્રમુખ જ નહીં, પ્રદેશ પ્રવક્તાથી માંડીને આખુય માળખુ બદલાય તેમ છે. સંગઠનમાં આમુલ પરિવર્તન કર્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી અટકળો તેજ થઈ છે. એ વાત પણ નક્કી છેકે, માત્ર હોદ્દો ભોગવતા અને વટ મારતાં નેતાઓને ઘરભેગા કરાશે.
પ્રદેશ પ્રમુખ પદે કેમ અને કોણ-કોણ દાવેદાર?
જગદીશ વિશ્વકર્મા : જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ઓબીસી ચહેરો છે. સરકાર અને સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે. હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.
દેવુંસિંહ ચૌહાણ : પૂર્વ કેન્દ્રીય મંત્રી દૈવુંસિહ ચૌહાણ ઓબીસી ચહેરો છે. આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતને સ્થાન મળ્યું નથી. જેથી દેવુંસિંહ ચૌહાણને પ્રદેશ પ્રમુખપદે તક મળી શકે છે. દેવુંસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે.
ગોરધન ઝડફિયા : ગોરધન ઝડફિયાને પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે. કારણ કે તેએ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે સિનિયર એને અનુભવી ચહેરો છે. ગોરધન ઝડફિયાને સરકાર અને સંગઠન બન્ને ચલાવવાનો અનુભવ છે.
શંકર ચૌધરી : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ય પ્રદેશ પ્રમુખ તરીકે સ્થાન મળી શકે છે કેમકે, તેમને ગોરધન પણ સંગઠનનો અનુભવ છે. સરકાર અને સંગઠન સાથે તાલમેલ કરી શેકે છે.
આઇ.કે.જાડેજા : ક્ષત્રિય નેતા આઈ.કે.જાડેજા પણ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. સાથે સંગઠનનો બહોળો અનુભવ રહ્યો છે તે જોતાં ફીટ બેસે છે.