જાણીતા શાયર મુનવ્વર રાણાની તબિયત નાજુક, હોસ્પિટલમાં કરાયા દાખલ
Image Source: Twitter
મુંબઈ, તા. 10 જાન્યુઆરી 2024 બુધવાર
જાણીતા શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી ગઈ છે. તેમની હાલત નાજુક છે. તેમને લખનૌના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI)માં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ લખનૌની જ મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મુનવ્વર રાણાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેઓ કિડનીની સમસ્યાથી પીડિત છે. ગત દિવસોમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવ્યુ હતુ. જે બાદ તેમને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ડોક્ટર સતત તેમના આરોગ્ય પર નજર રાખી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ક્રોનિક કિડની રોગથી પીડિત મુનવ્વર રાણાનું અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ થાય છે. થોડા દિવસ પહેલા ડાયાલિસિસ બાદ તેમના પેટમાં અચાનકથી દુખાવો થયો. હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યુ. તેમના ફેફસામાં ઈન્ફેક્શન થઈ ગયુ. ન્યુમોનિયાના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેઓ હજુ ઓક્સિજન પર છે. વચ્ચે-વચ્ચે ઓક્સિજન હટાવવામાં પણ આવે છે.
મુનવ્વર રાણા દેશના જાણીતા શાયર છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને માટી રતન સન્માન એનાયત કરવામાં આવી ચૂક્યા છે. યુપીમાં યોગી સરકાર બન્યા બાદ તેઓ સતત સરકારની ટીકા કરતા રહ્યા છે. છેલ્લા છ વર્ષમાં ઘણી વખત સત્તા વિરોધી નિવેદનબાજીઓના કારણે તેઓ ચર્ચામાં રહ્યા. મુનવ્વર રાણાના પરિવારના લોકો અને તેમને ચાહનારા પ્રશંસક તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.