Get The App

VIDEO: મોદી અમને કહે છે પણ ગુજરાતમાં પણ મુસ્લિમોને અનામત અપાય છે, કોંગ્રેસ અને RJDનો દાવો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
VIDEO: મોદી અમને કહે છે પણ ગુજરાતમાં પણ મુસ્લિમોને અનામત અપાય છે, કોંગ્રેસ અને RJDનો દાવો 1 - image


OBC Muslim Reservation : લોકસભા ચૂંટણીનું છ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે ગુજરાતમાં મુસ્લિમને મળતા અનામત મુદ્દે કોંગ્રેસે (Congress) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો જૂનો વીડિયો શેર કરી આકરા પ્રહારો કર્યા છે, તો બીજીતરફ RJD નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પણ આ મામલે વડાપ્રધાન પર આકરા પ્રહારો કરી ગુજરાત (Gujarat) કયા મુસ્લિમ વર્ગો OBCમાં સામેલ છે, તેની યાદી શેર કરી છે.

‘ઓબીસીનું અનામત છિનવી મુસ્લિમોને આપી દીધું’ વડાપ્રધાનનો વિપક્ષ પર આક્ષેપ

વાસ્તવમાં ભાજપ મુસ્લિમોને અપાતા અનામત મુદ્દે કોંગ્રેસ, RJD, TMC સહિત અન્ય પક્ષો સામે આક્ષેપો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓમાં વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે, વિપક્ષોએ ઓબીસીનું અનામત છીનવી મુસ્લિમોને આપી દીધું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ કોઈપણ કિંમતે ધાર્મિક આધારે અનામત લાગુ નહીં થવા દે. તેમણે 24મીમેએ શિમલામાં ચૂંટણી સભા ગજવી કહ્યું હતું કે, ‘ઈન્ડિયા ગઠબંધને મુસ્લિમોની ઘણી જાતિઓને ઓબીસી (Muslim Reservation) બનાવી દીધી હતી અને ઓબીસીનો હક તેમને આપી દીધો હતો. ઈન્ડિયા ગઠબંધને ઓબીસીની હક પર તરાપ મારી અને બંધારણના ધજાગાર ઉડાવ્યા છે.’

વીડિયોમાં ગુજરાતમાં મુસ્લિમને મળતા અનામતનો ઉલ્લેખ

ત્યારે  વિપક્ષોએ ઓબીસીનું અનામત છિનવી મુસ્લિમોને આપી દીધું હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના આક્ષેપો બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો લગભગ બે વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં મોદી કહી રહ્યા છે કે, ‘ભાજપનો સિદ્ધાંત સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ છે, જેને ક્યારે બદલવામાં આવ્યું નથી. કોઈપણ વ્યક્તિ સમાજ વ્યવસ્થાને નકારી ન શકે. સમાજના દબાયેલા-કચડાયેલા વર્ગની ચિંતા થવી જોઈએ. શું આપણા સમાજના વિવિધ વર્ગોમાં પછાતપણું, ગરીબી કે ઊંચ-નીચ નથી. અમારા ત્યાં ગુજરાતમાં મુસ્લિમોમાં પણ 70 જાતિ પછાત છે. હું જ્યારે ગુજરાતમાં હતો, ત્યારે તેમને ઓબીસી કેટેગરીમાં લાભ મળતો હતો. જ્યારે ચૂંટણીમાં તો ઓબીસીને ટિકિટ આપવાની વાત જ નહોતી થતી.

તેજસ્વી યાદવે ગુજરાતમાં મુસ્લિમોને મળતા અનામતની યાદી શેર કરી

બીજીતરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે ગુજરાતમાં ઓબીસી વર્ગમાં અનામત મેળવનારા મુસ્લિમ ઓબીસી જાતિઓની કેન્દ્રી યાદી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં પછાત વર્ગમાં અનામત મેળવનાર મુસ્લિમ ઓબીસી જાતિઓની આ કેન્દ્રીય યાદી છે. અને તે દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. આજકાલ માત્ર વૉટ્સઅપ જ્ઞાનના આધારે ભ્રમ, નફરત અને અફવાઓ ફેલાવાઈ રહી છે. આ લોકો નથી જાણતા કે, આપણા બંધારણમાં અનામતનો આધાર ધર્મ નથી પણ સામાજિક પછાતપણું છે.


Google NewsGoogle News