ચૂંટણી પંચે દબાણમાં આવી NCPનું નામ-ચિન્હ અજિત જૂથને સોંપ્યું, શરદ જૂથનો આક્ષેપ
શરદ પવારે NCPની સ્થાપના કરી, વર્ષોથી અધ્યક્ષ રહ્યા, ચૂંટણી પંચનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ : અનિલ દેશમુખ
અજિત પર 70000 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, આજે તે ભાજપ સાથે ઉભા છે : સાંસદ પ્રિયંકા ચતુર્વેદી
ચૂંટણી પંચે (Election Commission) આજે અજિત જૂથને અસલી એનસીપી હોવાનું જાહેર કર્યા બાદ મહારાષ્ટ્ર (Maharashtra)માં ફરી રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)નું નામ અને ચૂંટણી ચિન્હ મામલે અજિત પવાર (Ajit Pawar) જૂથના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે, જેના કારણે શરદ પવાર (Sharad Pawar) જૂથે નારાજગી વ્યક્તિ કરી ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે. અનિલ દેશમુખે કહ્યું કે, ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહીની હત્યા છે.
‘ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહીની હત્યા’
એનસીપીના નેતા અનિલ દેશમુખે (Anil Deshmukh) કહ્યું કે, ‘ચૂંટણી પંચે આજે શરદ પવારની પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ અજિત પવારને આપી દીધું છે. આવો નિર્ણય શિવસેનામાં પણ લેવાયો હતો. શરદ પવારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ વર્ષોથી પક્ષના અધ્યક્ષ રહ્યા. ચૂંટણી પંચે દબાણ આવી કરેલો નિર્ણય લોકશાહીની હત્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે.’
ચૂંટણી પંચનો નિર્ણય બંધારણની ભાવના વિરુદ્ધ : પ્રિયંકા ચતુર્વેદી
ચૂંટણી પંચના નિર્ણય અંગે શિવસેના (યૂબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ કહ્યું કે, ‘હું બિલકુલ આશ્ચર્યમાં નથી. એક વ્યક્તિ જેના પર 70,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. આજે તે BJP સાથે ખભો મિલાવીને ઉભો છે. અજીત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે. આ બંધારણીની કલમ 10ની ભાવનાઓ વિરુદ્ધ છે.’
ચૂંટણી પંચે અજિત જૂથના પક્ષમાં સંભળાવ્યો નિર્ણય
ચૂંટણી પંચે કહ્યું કે, 'અજિત પવાર જૂથને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.' જો કે, પંચે શરદ પવારને નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા જણાવ્યું છે. આ નામો બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં આપવાના રહેશે.
10 મહિના બાદ NCPમાં ચાલી રહેલા વિવાદનું સમાધાન
છ મહિનાથી વધુ ચાલેલી 10થી વધુ સુનાવણી બાદ ચૂંટણી પંચે એનસીપીમાં ચાલી રહેલા વિવાદનું સમાધાન કર્યું છે અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 'શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યું નથી, જેના કારણે વસ્તુઓ તેમના પક્ષમાં નથી ગઈ. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની છ બેઠકો માટેની ચૂંટણીની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને, શરદ પવાર જૂથને ચૂંટણી સંચાલન નિયમો 1961ના નિયમ 39AAને અનુસરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે.