'અમેરિકા જવા 40 લાખથી 1.25 કરોડ સુધીમાં ડીલ થઇ હતી...' ફ્રાન્સ ફ્લાઈટ કેસમાં CIDનો ખુલાસો
ફ્રાન્સમાં 303 મુસાફરો સાથેનું વિમાન પકડાયું હતું
આ વિમાનમાં મોટાભાગે ગુજરાતના લોકો હતા
France Flight Case | રોમાનિયાની લેજન્ડ એરલાઈન્સ કંપનીના વિમાન એરબસ A-340ને માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર 4 દિવસ સુધી અટકાવી રખાયું હતું. આ વિમાનમાં કુલ 303 ભારતીય મુસાફરો સવાર હતા. તેમાંથી 276 મુસાફરો 26 ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બાકીના 27 મુસાફરો ફ્રાન્સમાં જ રહી ગયા હતા કેમ કે તેમણે ત્યાં શરણ મેળવવા અરજી કરી હતી. જોકે હવે તે પણ પાછા આવી ગયા છે. માહિતી અનુસાર આ વિમાન દુબઇથી નિકારાગુઆ જઇ રહ્યું હતું. વિમાનમાં સવાર લગભગ એક તૃતીયાંશ લોકો ગુજરાતના હતા.
ગુજરાત સીઆઇડી ક્રાઈમ ટીમની પૂછપરછમાં ખુલાસો
ગુજરાત સીઆઈડી ક્રાઇમ ટીમે 30 મુસાફરોની પૂછપરછ કરી હતી જેમાં જાણ થઇ કે અમેરિકા જવા માટે તેમણે એજન્ટ્સ સાથે 40 લાખથી લઈને 1.25 કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. બાકીના મુસાફરોની હજુ પૂછપરછ ચાલી રહી છે. અત્યાર સુધી સીઆઈડીને 6 એજન્ટ્સ વિશે પણ માહિતી મળી છે. તમામ યાત્રીઓની પુછપરછ બાદ સીઆઇડી આ એજન્ટો સામે સકંજો કસશે.
યાત્રીઓ પાસેથી નિકારાગુઆના ટુરિસ્ટ વિઝા મળ્યાં
CIDએ જણાવ્યું કે જે યાત્રીઓની પૂછપરછ થઇ છે તે પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે કંઇ કહેવા તૈયાર નથી. તેમની પાસે નિકારાગુઆના ટુરિસ્ટ વિઝા હતા. તેમનું કહેવું છે કે તે તેઓ ફરવા જઈ રહ્યા હતા. ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ જિલ્લાના યાત્રીઓનું 14 ડિસેમ્બરથી દુબઈ પહોંચવાનું શરૂ થયું હતું. અહીંથી બધા એકસાથે નિકારાગુઆ માટે વિમાનમાં સવાર થયા. સીઆઈડીનો દાવો છે કે આ બધા લોકો નિકારાગુઆથી અમેરિકા જવાના હતા. ગુજરાત સીઆઈડીએ આ મામલે તપાસ કરવા ચાર ટીમની રચના કરી છે.