નકલી પોલીસ, દેશદ્રોહ, પ્રતિબંધિત વસ્તુના પાર્સલની ધમકી; સાઈબર ફ્રોડની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો
Pixabay |
Cyber Fraud News | ગાંધીનગર સ્થિત આઈટી એન્જિનિયરને ગઈકાલે દેશની એક જાણીતી કુરિયર કંપનીમાંથી વીડિયો કોલ આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે તમારું એક કુરિયર આટલા વજનનું અને આટલી ઉંચાઈનું અમારી પાસે છે. જે આપે થોડા દિવસ પહેલાં મોકલ્યું હતું તે ફસાયું છે. આઈટી એન્જિનિયરે જવાબ આપ્યો કે આવું કોઈ કુરિયર મેં કર્યું નથી. છતાં થોડીવાર પછી ફોનમાંથી ફરી એક વ્યક્તિ વાત કરે છે કે આ કુરિયરમાં દેશ દ્રોહી વસ્તુઓ છે જેની અમારે મુંબઈ સ્થિત ક્રાઈમ બ્રાંચમાં વાત કરવી પડશે. સાથે એક ક્રાઈમ બ્રાંચની લિંક એપે છે. આ લિંક સ્કાઈપમાં ખુલે છે જેમાં સામે પોલીસ અધિકારીઓ બેઠેલા દેખાય છે.
ક્રાઈમ બ્રાંચ સાથે આઈટી એન્જિનિયરને વીડિયો કોલથી જોડાઈને ઓફિસમાં યુનિફોર્મ સાથે પોલીસ સ્ટાફ અપ ટુ ડેટ ‘જય હિંદ સર' કહીને વાતો કરે છે અને સામેથી પોતે બધું જ જાણતો હોય અને માહિતી આપતો હોય એવો રોબ બતાવીને વાત કરે છે. એ જણાવે છે કે તમારા કુરિયરમાં દેશ દ્રોહી વસ્તુ હોવાથી અમે તમને ગમે ત્યારે ઝડપી લઈશું. સાવ ગભરાયેલા આઈટી એન્જિનિયરે આખી પૂરી વાત જાણવાની કહી. તો સામેથી સ્કાઈપના વીડિયોમાં પોલીસ સ્ટેશનથી અધિકારીએ જવાબ આપ્યો કે તમારી બેન્કમાં જે ટ્રાન્ઝેક્શન થયા છે તે બધાં જ શંકાસ્પદ છે. આ બધા ટ્રાન્ઝેક્શન માટે તમારે ગમે ત્યારે જેલમાં જવું પડશે. ફાંકડું અંગ્રેજી અને પોલીસ જેવી જ એટિકેટ અને મહિલા સ્ટાફ સાથે સામેનું વાતાવરણ એટલું આબેહૂબ હતું કે કોઈપણ વ્યક્તિ ગભરાઈ જાય. વધુમાં તે તેમણે તેમને ખરાઈના તમામ દસ્તાવેજો માંગ્યા. તેમની બેન્કની ડિટેઈલ અને આધાર કાર્ડ સામેથી જણાવી. ફટાફટ ઓનલાઈન કાગળીયા મોકલતા આ આઈટી એન્જિનિયર થોડીવાર તો મુંબઈ પોલીસના સ્વાંગમાં વાત કરતાં અધિકારીઓથી હેબતાઈ ગયા.
સામે વાત કરનારા પોલીસ સ્ટાફે એન્જિનિયરને આખી રાત મોબાઈલ ફોનનો વીડિયો ચાલુ રાખીને તેમની બધી જ હરકત પર નજર રાખવાનું કહ્યું. પોતાના પરિવારને કારણ વગરની ચિંતા ન થાય એ માટે આ એન્જિનિયરે કશું બોલ્યા વિના એક રૂમમાં આખી રાત પેલા સ્ક્રાઈપના સ્ક્રીનમાં દેખાતા પોલીસ સ્ટાફ સામે વિતાવી. ખાસી વાતો અને એરેસ્ટ કરવા સુધીની તમામ ધમકીઓ પછી કમ્પ્યૂટર એન્જિનિયરમાં એક એવો ભય વ્યાપી ગયો કે નક્કી તે ક્યાંક ફસાઈ ગયા છે. આખરે પરિવારના એક વ્યક્તિને વિડિયો કોલમાંથી બહાર આવીને સમગ્ર વાત કરતાં ગાંધીનગરમાં રહેતા એક ક્રાઈમ બ્રાંચના અધિકારીને આખી વાત જણાવી ત્યારે આવા જ કોલ નાના બાળકો અને મહિલાઓને પણ આવે છે તેવી વાત સાથે કોલબ્લોક કરવાની સૂચના આપી. એક કોલ બ્લોક કરીને આ વાત તો સમાપ્ત થઈ ગઈ. પરંતુ એક આખી રાત આ આઈટી એન્જિનિયર માટે ખૂબ જ ભયાવહ અને ગોઝારી હતી.
ગાંધીનગરના આઈટી એન્જિનિયરના મતે હવે સાઈબર ફ્રોડ કરનારા એટલા એડવાન્સ બની ગયા છે કે સામે આખું ડુપ્લિકેટ પોલીસ સ્ટેશન ઊભું કર્યું હતું. વારે વારે જય હિંદ બોલીને પોતે સાચા છે એ પ્રકારનું વાતાવરણ બનાવ્યું હતું. અત્યાર સુધી મારે પંદરેક પ્રકારના ફોન આવ્યા છે પરંતુ પહેલીવાર આ પ્રકારનું આબેહુબ પોલીસ સ્ટેશ સ્ટેશન સ્કાઈપમાં જોયું. આ અંગે બ બધાએ સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. આમાં એક સામાન્ય માણસ તો બહુ જ સરળતાથી ફસાઈ જાય. સદ્દનસીબે મેં ક્રાઈમ બ્રાંચના અધિકારીને મળીને ફોન કોલ કાપવાનો નિર્ણય લીધો અને વાત પતી ગઈ. પરંતુ ચાર દિવસ પહેલાં જ એક મહિલાના એકાઉન્ટમાંથી 85 લાખ રુપિયાની તફડંચી થઈ હતી.