ધર્મના નામે હિંસા અસ્વીકાર્ય: પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે આપ્યું નિવેદન
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જેમાં હવે વિરોધીઓ હિન્દુઓ અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. આ બાબતે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકા ગાંધીએ સોમવારે (12 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કરી બાંગ્લાદેશની નવી સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
પ્રિયંકા ગાંધીએ X પર પોસ્ટ શેર કરી
પ્રિયંકા ગાંધીએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલા થવાના સમાચારો પીડાદાયક છે. કોઇ પણ સભ્ય સમાજમાં ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે હિંસા કે હુમલા કરવા અસ્વીકાર્ય છે. કોંગ્રેસ મહા સચિવે વધુમાં ક્હ્યું કે, અમને આશા છે કે ટુંક સમયમાં બાંગ્લાદેશની સ્થિતિ સામાન્ય થઇ જશે અને ત્યાંની નવી સરકાર હિન્દુ, ઇસાઇ અને બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની સુરક્ષા તેમજ સન્માન સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચોઃ 'હું શરમ અનુભવું છું...' યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈરાનના ઉપરાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું
હિન્દુઓએ પોતાની સુરક્ષાની માંગ કરી
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશ સરકારને હચમચાવી દીધી હતી. આના પર શેખ હસીનાએ ઉતાવળે પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને પછી તેઓ ઢાકાથી ભારત આવ્યા. સત્તા પરથી તેમની હકાલપટ્ટી પછી પણ અરાજકતાનો માહોલ યથાવત છે. વિરોધીઓ હિન્દુ સમુદાયના લોકો પર હુમલો કરી રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. તેના વિરોધમાં રવિવારે (11 ઓગસ્ટ) હિન્દુ સમાજના લોકો ચટગાંવ શહેરમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાના જીવન, સંપત્તિ અને પૂજા સ્થળોની સુરક્ષાની માગ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રની યુનુસ સરકારને ટકોર
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ વ્યાપક પ્રમાણમાં હિંસાના સમાચાર સામે આવતા સંયુક્ત રાષ્ટ્રએ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારને લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું છે. નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે પણ લઘુમતીઓ પર હુમલાની નિંદા કરી છે. તાજેતરમાં જ તેમણે બાંગ્લાદેશી વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું હતું કે, શું તેઓ (લઘુમતીઓ) આ દેશના લોકો નથી? તમે (વિદ્યાર્થીઓ) આ દેશને બચાવવા સક્ષમ છો તો શું તમે થોડાક પરિવારોને નથી બચાવી શકતા? તેઓ (લઘુમતીઓ) મારા ભાઇ છે. અમે સાથે મળીને દેશ માટે લડાઇ લડી છે અને અમે એક સાથે રહીશું.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં દેખાવો હિંસક બન્યા, બેનાં મોત
ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુ સમુદાયની માફી માંગી
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર સખાવત હુસૈને લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ હિન્દુઓની માફી માંગતા કહ્યું કે, 'લઘુમતી ભાઈઓની સુરક્ષા કરવી સરકારની જવાબદારી અને અંતિમ ફરજ છે.' હુસૈને વધુમાં કહ્યું કે, 'લઘુમતીઓનું રક્ષણ કરવું એ આપણા ધર્મનો ભાગ છે. હું આપણા હિન્દુ ભાઈઓની માફી માંગું છું. અત્યારે દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. પોલીસની હાલત સારી નથી, આથી હું સમાજના લોકોને અપીલ કરું છું કે લઘુમતીમાં આવતા લોકો આપણા ભાઈઓ છે અને તમામ લોકો સાથે મળીને મોટા થયા છીએ. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે.'