'હું શરમ અનુભવું છું...' યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈરાનના ઉપરાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું
Mohammad Javad Zarif: ઈઝરાયેલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ જાવદ ઝરીફે પદ સંભાળ્યાના થોડા દિવસો બાદ જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જાવેદ ઝરીફે વિશ્વના શક્તિશાળી દેશો સાથે 2015ના ઐતિહાસિક પરમાણુ કરાર પર વાતચીત કરી હતી. તેમણે સોમવારે જાહેરાત કરી હતી કે, તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જાવેદ ઝરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે,"મેં ગયા અઠવાડિયે અમુક કારણોસર વાઇસ પ્રેસિડન્ટના પદ પરથી રાજીનામું આપી દીધુ છે," ઈરાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સુધારાવાદી પ્રમુખ મસૂદ પેજેશકિયને જીત મેળવી હતી. પેજેશકિયને માત્ર બે અઠવાડિયા માટે જરીફને ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સોંપી હતી.
ઝરીફે રાજીનામું આપવા માટે ઘણા કારણો આપ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનું એ છે કે, તેઓ નવા કેબિનેટ સભ્યોની નિમણૂકથી ખુશ ન હતા. તેમણે કહ્યું કે,"મને શરમ આવી રહી છે કે, ઉમેદવારોની પસંદગી માટે જવાબદાર સમિતિના અભિપ્રાયનો અમલ કરી શક્યો નથી અને મેં વચન મુજબ મહિલાઓ, યુવાનો અને અન્ય જૂથોને કેબિનેટમાં સામેલ કરી શક્યો નથી."