Get The App

ગુજરાત, રાજસ્થાન અને યુપીમાં ભાજપ ક્લિનસ્વીપ નહીં કરી શકે, રાજકીય નિષ્ણાતની ભવિષ્યવાણી

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ગુજરાત, રાજસ્થાન અને યુપીમાં ભાજપ ક્લિનસ્વીપ નહીં કરી શકે, રાજકીય નિષ્ણાતની ભવિષ્યવાણી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે બહુમત કોને મળવાની છે. એક તરફ ભાજપના નેતૃત્વવાળી એનડીએ છે તો બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી જેવા વિપક્ષી દળોનું ઈન્ડિયા ગઠબંધન. જોકે, હજુ ચૂંટણી પરિણામો આવ્યા નથી પરંતુ રાજકીય નિષ્ણાતોની તરફથી સતત બેઠકોને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન યોગેન્દ્ર યાદવે એક વાર ફરીથી રાજસ્થાન, ગુજરાત અને યુપીમાં ભાજપને લઈને તાજી ભવિષ્યવાણી કરી છે.

યોગેન્દ્ર યાદવે કહ્યું કે ભાજપે કર્ણાટકથી લઈને બિહાર સુધી ગત ચૂંટણીમાં જે રીતે જીત મેળવી હતી. તેવું આ વખતે થશે નહીં. પાર્ટીનો વોટ શેર 5થી 10 ટકા ઘટશે. અમુક વિસ્તારોમાં બેઠકોનું નુકસાન પણ થશે. તેમણે એ પણ જણાવ્યું કે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ગઈ વખતે ભાજપે જેવું ક્લિનસ્વીપ કર્યું હતું, તેવું આ વખતે કેમ થવાનું નથી. આ વખતે તેને કેટલી બેઠકોનું નુકસાન હોઈ શકે છે.

રાજસ્થાનમાં ભાજપની હાલત કેવી થશે?

રાજસ્થાન અંગે વાત કરતા યોગેન્દ્ર યાદવે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ભાજપને થનારું નુકસાન એક ભાગમાં કેન્દ્રિત છે. આ રાજ્યમાં પહેલા તબક્કામાં ચૂંટણી થઈ હતી. ભાજપને નુકસાન થશે. ગંગાનગરથી લઈને ટોંક સુધીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી મંગળસૂત્ર વાળું નિવેદન જોવા મળ્યું.

રાજકીય નિષ્ણાતે કહ્યું કે લોકસભા ચૂંટણી માટે આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસે આરએલપી અને સીપીએમની સાથે કરાર કરી લીધા છે. જે વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યા નહતા. મારું માનવું છે કે ભાજપને રાજસ્થાનમાં આઠ બેઠકનું નુકસાન થવાનું છે. તેમનું કહેવું છે કે રાજસ્થાનના લોકોની વચ્ચે મુખ્યમંત્રી ભજન લાલ શર્મા લોકપ્રિય નથી. રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકો છે, જેમાંથી 24 પર ગઈ વખતે ભાજપ જીત્યું હતું.

ગુજરાતમાં ભાજપની ધાક ઘટી!

યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટશે પરંતુ બેઠકોમાં ઘટાડો થવાની શક્યતા ખૂબ ઓછી છે. તેનું કારણ છે કે ગત ચૂંટણીમાં જીતનું માર્જિન ખૂબ વધુ હતું. તેમ છતાં બનાસકાંઠા, આણંદ અને ભરૂચ જેવી બેઠકો પર ભાજપની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાં ભાજપને 2 બેઠકોનું નુકસાન થઈ શકે છે. ગત ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે મોટા અંતરથી જીત મેળવી હતી. 

યુપીમાં મોટો ફેરફાર જોવા મળશે?

રાજકીય નિષ્ણાતે જણાવ્યું કે યુપીમાં મુખ્યમંત્રી લોકપ્રિય છે, એ વાતનો ઈનકાર કરી શકાય નહીં. ભાજપને અહીં ફ્રી રાશન માટે ક્રેડિટ આપવામાં આવે છે. કાયદો વ્યવસ્થાનું ફેક્ટર પણ ભાજપના પક્ષમાં કામ કરે છે પરંતુ ભાજપના સાંસદો વિશે લોકોનો મત બિલકુલ અલગ છે. ત્યાં લોકોને લાગે છે કે સ્થાનિક મુદ્દાને બસ યોગી-મોદી કરીને દબાવવામાં આવી રહ્યાં છે. લોકો હવે આ માટે તૈયાર નથી. પહેલી વખત એ પણ જોવા મળી રહ્યું છે કે બસપાના વોટર હવે સપા તરફ વલણ કરી રહ્યાં છે.

યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે યુપીમાં દલિતોની અંદર એ મેસેજ ગયો છે કે હવે બંધારણ બચાવવાનો સમય છે. આ સિવાય કોમન ફેક્ટર જેમ કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતની સ્થિતિ પણ મુખ્ય છે. આ બધું ભેગું કરીને જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે ભાજપને યુપીમાં 10 બેઠકોનું નુકસાન થઈ શકે છે. ભાજપને ગઈ વખતે 62 બેઠકો મળી હતી જ્યારે સહયોગીઓની સાથે એનડીએની બેઠકોની સંખ્યા 64 હતી. ભાજપે 70 બેઠકો જીતવાનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ એવી કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી. દરમિયાન ત્યાં ભાજપને 50થી 52 ની આસપાસ જ બેઠકો મળી શકે છે.


Google NewsGoogle News