'લાલબાગચા રાજાને ગુજરાત લઈ જઈ શકે છે ભાજપ...' ઉદ્ધવ સેનાના દિગ્ગજ નેતાના ગંભીર આક્ષેપ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
'લાલબાગચા રાજાને ગુજરાત લઈ જઈ શકે છે ભાજપ...' ઉદ્ધવ સેનાના દિગ્ગજ નેતાના ગંભીર આક્ષેપ 1 - image


Image: Facebook

Sanjay Raut Targeted BJP: શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે ભાજપ લાલબાગચા રાજાને પણ ગુજરાત લઈ જઈ શકે છે. તેમણે ભાજપ પર શિવસેના અને એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને તોડવાના પણ આરોપ લગાવ્યા. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. શિવસેના (યુબીટી)એ ચૂંટણીની જાહેરાત કરવાનો પડકાર આપ્યો છે.

રાઉતે કહ્યું, 'ભાજપ કંઈ પણ કરી શકે છે. લાલબાગચા રાજાનું મોટું નામ છે, સમગ્ર દેશમાંથી લોકો દર્શન કરવા આવે છે. તે કહી શકે છે કે ચલો આમને ગુજરાત લઈ જઈએ. આવું થઈ શકે છે. તે લાલબાગચા રાજાને ગુજરાત લઈ જવા માટે પ્રસ્તાવ રજૂ કરી શકે છે. તે વેપારી લોકો છે. હું તમને જણાવી રહ્યો છું. હું ખૂબ વિચારીને આ વાત કહી રહ્યો છું. આ લોકો મહારાષ્ટ્રને દુશ્મન માને છે. ભાજપના ઘણા લોકો મુંબઈને લૂંટવા ઈચ્છે છે.'

દેવેન્દ્ર ફડણવીસ પર સાધ્યું નિશાન

રાઉતે રવિવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતાં કહ્યું કે જો ફડણવીસ 100 વખત પણ જન્મ લઈ લે તો પણ તે આ સમજી નહીં શકે કે રાકાંપા (એસપી) પ્રમુખ શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે. રાઉતની આ ટિપ્પણીના થોડા દિવસ પહેલા ફડણવીસે દાવો કર્યો હતો કે શરદ પવારે રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે ત્રણથી ચાર નામોને પસંદ કર્યાં હતાં પરંતુ ઉદ્ધવ ઠાકરે તેમાં સામેલ નહોતાં. રાઉતે કહ્યું, 'શું 2019માં ફડણવીસને ખબર હતી કે શરદ પવાર શું વિચારી રહ્યાં હતાં અને શું પ્લાન બનાવી રહ્યાં હતાં? જો રાજ્યમાં શાસક સરકારમાં થોડી પણ હિંમત વધી છે તો તેમણે ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.'

રાઉતે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં જ રાજકીય દળો અને આ દળોનું નેતૃત્વ કરનાર પરિવારોની વચ્ચે વિભાજનનું ષડયંત્ર રચ્યું. આ આરોપ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના તાજેતરના નિવેદન બાદ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે સમાજ તે લોકોને નફરત કરે છે જે પોતાનો પરિવાર તોડે છે. અજીત પવારે આ નિવેદન ગઢચિરોલીમાં એક રેલી દરમિયાન આપ્યું, 'જ્યાં તેમણે પાર્ટી નેતા અને રાજ્ય મંત્રી ધર્મરાવ બાબા આત્રામની પુત્રી ભાગ્યશ્રીને શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) માં સામેલ થવાથી હતોત્સાહિત કરવાના વખાણ કર્યાં.

શિવસેના (યુબીટી) નેતા રાઉતે કહ્યું, 'મહારાષ્ટ્રમાં રાજકીય દળો અને પરિવારોને કોણે તોડ્યા? મોદી અને શાહે રાજકીય દળો અને એટલે સુધી કે પરિવારોમાં પણ વિભાજન પેદા કર્યું. એકનાથ શિંદે અને અજીત પવાર તેના શિકાર થયાં. તેમણે એ સ્વીકાર કરવો જોઈએ કે તેમને ધમકાવવામાં આવ્યા, દબાણ કરવામાં આવ્યુ કે પોતાની પાર્ટીથી અલગ થવા માટે લાલચ આપવામાં આવી' રાઉતે દાવો કર્યો કે ભલે તે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના હોય કે શરદ પવારની રાકાંપા, બંને પાર્ટીઓએ ઘણા વર્ષો સુધી શિંદે અને અજીત પવારને પૂરતી તક આપી પરંતુ તેમણે પાર્ટી બદલવાનું જ યોગ્ય સમજ્યું. 

શિવસેના (યુબીટી) નેતાએ મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસાને લઈને પણ શાહની ટીકા કરી અને તેની પર પૂર્વોત્તર રાજ્યની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો. શાહ મહત્વપૂર્ણ ગણેશ મંડળોની યાત્રા કરવા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ આવ્યા છે. રાઉતે કહ્યું, 'મણિપુરમાં ફરીથી થઈ રહેલા હુમલા અને મહિલાઓની નિરંતર પીડા છતાં, કેન્દ્રીય ગૃહ મંત્રી મુંબઈમાં છે. તેમણે મણિપુર, જમ્મુ-કાશ્મીર જવું જોઈએ. મુંબઈમાં તેમનું શું કામ છે? તેમણે મણિપુર જવાની હિંમત બતાવવી જોઈએ.' છેલ્લા પાંચ દિવસમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં સાત લોકોના મોત થયા અને 15થી વધુ ઈજાગ્રસ્ત છે.


Google NewsGoogle News