બિલકિસ બાનો કેસઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અરજી ફગાવી, કરી હતી આ વિનંતી
Bilkis Bano Case : બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર દુષ્કર્મ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના દોષિત 11 આરોપીને અપાયેલી છૂટને રદ કરવાના કોર્ટના અગાઉના નિર્ણયને લઈને સમીક્ષાની માગ કરેલી ગુજરાત સરકારની અરજીને ફગાવી દીધી છે. જેમાં ગુજરાત સરકારે 8 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જસ્ટિસની બેન્ચે શું કહ્યું?
જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે, 'રિવ્યુ પિટિશન, પડકારવામાં આવેલા આદેશો અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોને ધ્યાનથી જોયા પછી અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, રિવ્યુ પિટિશનમાં રેકોર્ડમાં કોઈ ભૂલ નથી અથવા આવી કોઈ યોગ્યતા નથી, જેના કારણે આદેશ પર પુનર્વિચાર થવો જોઈએ, તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે.'
આ પણ વાંચો : PM મોદી શક્તિશાળી નેતા, પણ ભગવાન નથી: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલનું સંબોધન
ગુજરાત સરકારે શું કરી દલીલ
ગુજરાત સરકારે દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા તેમાં રાજ્યને 'વિવેકબુદ્ધિના દુરુપયોગ' માટે દોષિત ઠેરવીને 'રેકર્ડમાં સ્પષ્ટ ભૂલ' કરી હોવાની વાત કરી હતી.
શું હતી આખી ઘટના?
બિલકિસ બાનો 21 વર્ષની હતી, ગોધરા ટ્રેન અગ્રિનકાંડ પછી 2002માં ચાલી રહેલા ગુજરાતમાં દંગા સમયે તેની સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઘટનામાં તેના પરિવારમાં ત્રણ બાળકી સહિત સાત લોકોના મોત થયા હતા. આ મામલે 2008માં 11 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યાં અને આજીવનની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તેમને 15 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારની મુક્તિ નીતિ હેઠળ છોડવામાં આવ્યા હતા.
8 જાન્યુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, ગુજરાત સરકારને છૂટ આપવાનો અધિકાર નથી, કારણ કે તે ફક્ત મહારાષ્ટ્ર સરકાર જ કરી શકે છે, જ્યાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતે છૂટને નકારી કાઢીને આરોપીને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો.