કેજરીવાલે લાંચ કેસ મામલે અદાણી પર કર્યા પ્રહાર, ગુજરાતને નશાનો ગઢ પણ કહ્યો
Arvind Kejriwal Attack On Gautam Adani : દિલ્હી વિધાનસભા સત્રના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં ડ્રગ્સ અને લથડતી જતી કાયદો અને વ્યવસ્થા, દરિયાઈ માર્ગે ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સના મોટા જથ્થા, અદાણી પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપો અને શિરોમણી અકાલી દળ(SAD)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર પંજાબમાં થયેલા ઘાતક હુમલા જેના અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરી આકરા પ્રહારો કર્યા છે.
ગુજરાતમાં નશો કરવાની ફેક્ટરીઓ : કેજરીવાલ
કેજરીવાલે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાંથી પકડાયેલા ડ્રગ્સને ટાંકીને કહ્યું હતું કે, ગુજરાતમાં નશો કરવાની ફેક્ટરીઓ ચાલી રહી છે. સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. 24 હજાર કિલો હેરોઈન પકડાયા વગર દેશમાં પ્રવેશી ગયું. આ સિવાય પણ ગુજરાતમાંથી 2.5 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ગુજરાતમાં આવે છે અને પછી ત્યાંથી અન્ય રાજ્યોમાં સપ્લાય થાય છે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, આ બધી સ્થિતિને નિયંત્રણ કરવાનું કામ ગૃહમંત્રી અમિત શાહનું છે? ગુજરાત આજે નશા કરવાનું ગઢ બની ગયું છે. બધા જાણે છે કે જે બંદરથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, તે અમિત શાહના મિત્રનું છે. તો શું આ બધું તેમના સહયોગથી થઈ રહ્યું છે?
કેજરીવાલે ગૌતમ અદાણી પર કર્યા આકરા પ્રહાર
ગૌતમ અદાણીની પાવર કંપની પર પ્રહારો કરતા કેજરીવાલે કહ્યું કે, અમેરિકાના ન્યાય વિભાગે અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો કે, ગ્રુપ ભારતમાં 12 હજાર મેગાવોટ સોલર એનર્જી બનાવવા જઈ રહ્યું હતું. જેના માટે તેમણે અધિકારીઓને લાંચની ઓફર કરી હતી. મારા પર પણ પાવર કંપનીને અદાણી ગ્રુપને સોંપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ મેં આવું ન કર્યું. જો દિલ્હીમાં ભાજપને મત આપશો તો વીજળી અદાણીને સોંપી દેવામાં આવશે. અને વીજળી એટલી મોંઘી થઈ જશે કે લોકો માટે તેના બિલ ચૂકવવા મુશ્કેલ થઇ જશે.
‘સુખબીર સિંહ બાદલ પર થયેલો હુમલો નિંદનિય’
પંજાબમાં શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર થયેલા જીવલેણ હુમલાની સખત નિંદા કરતા કેજરીવાલે કહ્યું હતું કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ પર કોઈએ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે તેઓ સુરક્ષિત છે. આ ઘટના પાછળ મોટી શક્તિઓ સામેલ છે. જે પંજાબ અને પંજાબીઓને બદનામ કરવા માંગે છે. આ ઘટનામાં પંજાબમાં પોલીસે જે રીતે બહાદુરીથી કામ કર્યું હતું. તે પ્રશંસનીય છે.