ગુજરાતીઓ માટે એલર્ટ! નવા વેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં, દેશમાં કુલ 109 એક્ટિવ કેસ
દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ N.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે
Cases of Covid sub-variant JN.1 : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને તેના નવા સબ વેરિઅન્ટ JN.1નો ખતરો સતત વધી રહ્યો છે. JN.1નું સંક્રમણ દેશના સાત રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે નવા વરિયન્ટના કેસની સંખ્યા 109 થઈ ગઈ છે જેમાં સૌથી વધુ ગુજરાતમાં નોંધાયા છે.
કોવિડ-19નો સબ વેરિયન્ટ JN.1ના ગુજરાતમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ N.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ગઈકાલે સબ વેરિયન્ટના વધુ ચાલીસ કેસો નોંધાતા હતા, આ સાથે જ સમગ્ર દેશમાં નવા વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાન અને તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા હતા. મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કોવિડ-19ના કુલ 529 કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,093 થઈ ગઈ છે, ઉપરાંત આ રોગથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે અને દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.