કેન્દ્રના 'GYAN'ની ગુજરાતમાં નકલ .
- ગુજરાતનું રૂ. 3.32 લાખ કરોડનું અંદાજપત્ર
- રૂ.754 કરોડની રાહત સાથે ગરીબ,યુવા,અન્નદાતા અને નારીશક્તિ કેન્દ્રિત બજેટ 2024-25 રજૂ
- ગત વર્ષ કરતા બજેટના કદમાં રૂ.31,444 કરોડનો વધારો : વિવિધ વિકાસ કર્યો માટે કુલ રૂ. 2.14 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી
- ગુજરાતના વધુ સાત નાના શહેરોનું મહાનગર પાલિકામાં રૂપાંતર કરવામાં આવશે
- વિદ્યાર્થીઓને વધુ સહાય, પોષણક્ષમ દૂધ અને સેમીકન્ડકટરની ઉભરતી તકો માટે તાલીમ કેન્દ્ર
અમદાવાદ : આર્થિક વિકાસ માટે ગરીબ, યુવાનો, ખેડૂત અને મહિલા એમ ચાર જ જાતિ સરકારની પ્રાથમિકતા છે એવા કેન્દ્રીય વિચાર સાથે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે લોકસભામાં બજેટ રજૂ કર્યાના બીજા જ દિવસે ગુજરાત રાજ્યના બજેટમાં આ વાત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ની વિચારધારાની નકલ સાથે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ.૩.૩૨ લાખ કરોડના ખર્ચ સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્ર વર્ષ ૨૦૪૭માં વિકસિત ગુજરાત માટે, રાજ્યના અર્થતંત્રનું વર્તમાન કદ ૦.૨૮ લાખ કરોડ ડોલરથી ૧૨ ગણું વધી ૩.૫ લાખ કરોડ ડોલર થાય, દેશના અર્થતંત્રમાં રાજ્યનો હિસ્સો ૧૦ ટકા થાય એવા ઉદ્દેશને હાંસલ કરવાનો માર્ગ મોકળો કરતા રજૂ કરવાની વિચારધારા નાણાપ્રધાને પોતાના ભાષણમાં વ્યક્ત કરી હતી. આ બજેટમાં નવા કોઈ કરવેરાની દરખાસ્ત કરવામાં આવી ન હતી પરંતુ, કો-ઓપરેટીવ સોસાયટીમાંથી નાની લોન લેનારને સ્ટેમ્પ ડયુટીમાં મુક્તિ આપવામાં આવી હતી. આઠ વર્ષથી જુના વાહનોના બાકી લેણાની રૂ.૭૦૦ કરોડની મુક્તિ સાથે બજેટમાં કુલ રૂ.૭૫૪ કરોડની રાહત આપવામાં આવી છે.
બજેટમાં વિકાસ કાર્ય માટે રૂ. ૨.૧૪ લાખ કરોડ ફાળવ્યા છે. જ્યારે પગાર સહિતના બિન વિકાસના કાર્યો માટે રૂ. ૮૩,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજના બજેટમાં સ્ટેમ્પ ડયૂટીમાં રૂ.૫૪ કરોડ અને આઠ વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરનારાઓને રૂ. ૭૦૦ કરોડની રાહત આપ્યા પછી કુલ રૂ. ૧૪૬.૫૨ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના વધારાના મુખ્ય સચિવ જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાતના રૂ. ૨૪ લાખ કરોડના જીડીપી સામે ગુજરાતનું જાહેર દેવું રૂ. ૩.૬૦ લાખ કરોડનું જ છે. જે જીડીપીના ૧૫.૧ ટકા જેટલું છે. ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટમાં મૂડી ખર્ચ રૂ. ૧,૦૮,૬૧૫ કરોડનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મૂડી ખર્ચમાં ગત વર્ષની તુલનાએ ૧૦.૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. છતાં સતત દસ વર્ષથી વધુ સમયથી બજેટમાં પુરાંત જોવા મળી રહી છે. ગુજરાતની રાજકોષીય ખાધ-મહેસૂલી ખાધ રાજ્યની કુલ ઉપજના ૩ ટકાના લક્ષ્યાાંક સામે માત્ર ૧.૮૬ ટકા જ છે.
મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુજરાતમાં સ્કીલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન સ્કીલ એન્ડ એમ્પ્લોયેબિલીટી સેન્ટરની સ્થાપના કરવા માટે રૂ. ૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સેમીકન્ડક્ટર્સ માટેની ઇકોસિસ્મટ ઊભી કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા કરારોના અનુસંધાનમાં સેમિકન્ડક્ટર્સ બનાવવા માટે કુશળ માનવ બળ તૈયાર કરવા સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટર્સની સ્થાપના કરવા માટે રૂ.૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઈસ ફંડની રચના કરવાની જાહેરાત કરી રૂ. ૫૦ કરોડનો ખર્ચ કરશે. આ માટે ૨૦૨૪-૨૫ના વર્ષ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારના રસ્તાઓને જોડતા રસ્તાઓને સુધારવા માટે રૂ.૧૨૦૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.રસ્તાઓ અપગ્રેડ કરવા બીજા રૂ. ૪૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતના બજેટના કદમાં ૨૦૨૩-૨૪ના વર્ષની તુલનાએ આ વરસે રૂ. ૩૧,૪૪૪ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વધુ સાત શહેર એટલે કે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગર તરીકે વિકસાવવામાં આવશે.ગુજરાતની ૨૫૫૧ હોસ્પિટલમાં મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને રૂ.૧૦ લાખ સુધીની મફત સારવાર મળે તે માટે રૂ. ૩૧૦૦ કરોડની ફાળવણી કરી છે. સગર્ભા મહિલાઓને હોસ્પિટલમા રોકાણ કરીને સારવાર લેવા માટે રૂ. ૧૫૦૦૦ સુધીનો ખર્ચ આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી ચે. તેમ જ આશાબહેનોને પ્રસૂતિ દીઠ રૂ. ૩૦૦૦ની પ્રોત્સાહન રકમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને માટે રૂ. ૫૩ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
આમ આરોગ્ય ઉપરાંત પોષણ અને શિક્ષણ પર ભાર મૂકતા બજેટમાં વિકસિત ગુજરાતના ધ્યેય સાથે રજૂ કરાયેલા આ બજેટમાં ૯થી ૧૨ ધોરણની કન્યાઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરતી નમો લક્ષ્મી યોજના, વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારાઓ વધે તે માટે ૧૧માં અને ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓને રૂ. ૨૫૦૦૦ની સહાય કરતી સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સુપોષિત ગુજરાત મિશનનો આરંભ કરવામાં આવ્યો છે. સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા માટે રૂ. ૧૩૦ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ૯થી ૧૨ ધોરણના અંદાજે ૧ લ ાખ વિદ્યાર્થી ઓને ટ્રાન્સપોર્ટની સહાય આપવામાાં આવશે.
તેમ જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બીપીએલ કાર્ડધારકો, એનએફએસએ કાર્ડ ધારક, પીએમજેએવાયના લાભાર્થી દિવ્યાંગ બહેનોને રૂ. ૬૦૦૦ને બદલે રૂ.૧૨૦૦૦ની સહાય આપવાની યોજનાને વધુ સંગીન બનાવી છે. બજેટમાં ગરીબ વર્ગને મહત્તમ લાભ આપવાની જાહેરાત કરીને લોકસભાની ચૂંટણી માટે ભાજપ માટે વોટ આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. સતત ત્રીજીવાર લોકસભાની તમામ ૨૬ બેઠક પર વિજય હાંસલ કરવાની નેમ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી પોષણ યોજનાના ભાગરૂપે જ મધ્યાહ્ન ભોજન યોજનાનો વ્યાપ વધારીને ૭૮ આદિવાસી અને પછાત તાલુકાઓમાં કેન્દ્રિય કૃત રસોડાની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે. આ તાલુકાઓમાં તબક્કાવાર સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને મધ્યાહ્ન ભોજન પણ આપવામાં આવશે.
નિર્મળ ગુજરાત, સ્વચ્છ ગુજરાતના ભાગરૂપે ઘન અને પ્રવાહી કચરાનો વ્યવસ્થિત નિકાલ કરી શકાય તે માટે આસપાસના ગામોનું ક્લસ્ટર બનાવવામાં આવશે. આ ક્લસ્ટર દરેક ગામના ઘરેઘરેથી ઘનકચરો એકત્રિત કરીને તેના નિકાલની વ્યવસ્થા કરશે. તેમાં આવતા જૈવિક કચરાનો ઉપયોગ કમ્પોસ્ટ પીટ બનાવવા અને અજૈવિક કચરાના નિકાલ માટે રિસાઈક્લિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ જ ધાર્મિક સ્થળો, દુકાનો, ગ્રામહાટ, શાકમાર્કેટ, એપીએમસી જેવા સ્થળોએ શહેરિ વિકાસ વિભાગની ડિઝાઈન અને યુનિટ કોસ્ટ મુજબ શોચાલય બનાવવામાં આવશે. તેને માટે રૂ. ૨૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતના ૩૦૦૦ ગ્રંથાલયોને જરૂરી ફર્નિચર કરાવી આપવા અને પુસ્તાકો વસાવી આપવા અને ઇ-બુક્સ તથા ઓનલાઈન રેફરન્સ મટિરિયલ તૈયાર કરી આપવા, નેટવર્ક કનેક્ટિવિટી આપવા, ડિજિટલ લાઈબ્રેરી જેવી સુવિધા ઊભી કરી આપવા માટે રૂ. ૧૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.