ગુજરાતની એસટી બસ ક્રેન સાથે અથડાતાં એકનું મોત

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ગુજરાતની એસટી બસ ક્રેન સાથે અથડાતાં એકનું મોત 1 - image


- અમદાવાદ હાઈવે પર દુર્ઘટના

- ડિવાઈડર સાથે અથડાયેલી ક્રેન રિવર્સ આવી રહી હતી ત્યારે અકસ્માતઃ 8  પ્રવાસી ઘાયલ

મુંબઇ : મુંબઇ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લાના  દાપચેરી નાકા પાસે ગુજરાત એસ.ટી.ની એક બસ એક ક્રેન સાથે ફૂલ સ્પીડમાં અથડાતા ક્રેનના ક્લિનરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં બસમાં પ્રવાસ કરી રહેલા ૩૫માંથી આઠ પ્રવાસી ઘવાયા હતા. 

આ સંદર્ભે પાલઘર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યાનુસાર આ ઘટના આજે વહેલી સવારે ત્રણ વાગ્યે મુંબઇ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લાના દાપચેરી ચેક પોસ્ટ પાસે બની હતી. 

વહેલી સવારે  ત્રણ વાગ્યે અહીંના ડિવાઇડર સાથે ભટકાઇને દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ એક ક્રેન રિવર્સ લઇ રહી હતી. આ સમયે પૂરપાટ વેગે પસાર થઇ રહેલ ગુજરાત એસ.ટી.ની બસ  ધડાકાભેર ક્રેન સાથે અથડાઇ હતી. 

આ ઘટનામાં ક્રેનના ક્લિનરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બસમાં સવાર કુલ ૩૫ પ્રવાસીઓમાંથી આઠ પ્રવાસીઓને નાની-મોટી ઇજાઓ થતા અમૂક ઇજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી પાસેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં બસને મોટું નુકસાન થયું હતું અને આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.


Google NewsGoogle News