મહારાષ્ટ્ર ચૂંટણી માટે ગુજરાતમાં બેન્ક ખાતાં ખોલાવી 100 કરોડ મોકલવાના કૌભાંડમાં ઈડીના દરોડા
માલેગાવની બેંકમાં બેરોજગાર યુવકોના ખાતામાં 125 કરોડની લેવડ દેવડ થઈ
સુરત અને અમદાવાદની બેન્કોમાં ખાતાં ખોલાવાયાં : મહારાષ્ટ્રના વાશી, થાણે, માલેગાંવ, નાસિક ઉપરાંત ગુજરાતના સુરત અને અમદાવાદના 24 સ્થળે દરોડા
વોટ જેહાદ માટે પૈસાની હેરફેરનો આરોપઃ 153 બ્રાંચોમાં 2200 વ્યવહારો થયા બેરોજગાર યુવકોને નોકરીનું વચન આપી તેમના દસ્તાવેજો મેળવી બેન્ક ખાતાં ખોલાવ્યાં
મુંબઇ : નાશિકના માલેગાવમાં મર્ચન્ટ બેંકની શાખામાં બેરોજગાર યુવકોના ખાતામાંથી રૃા. ૧૨૫ કરોડના ટ્રાન્ઝેક્શન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ હાથ ધરી છે ઇડીએ થાણે, વાશી, માલેગાંવ, નાશિક, સુરત અને અમદાવાદમાં વેપારીઓ અને નકલી કંપની સંબંધિત ૨૪ સ્થળે દરોડા પાડયા હતા. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ફંડ આપવા માટે ગુજરાતની સુરત અને અમદાવાદની બેંકોમાં ખાતા ખોલાવી કરોડો રૃપિયાનું બોગસ ટ્રાન્ઝેક્શન કરાયાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની ચૂંટણી ફંડ માટે હવાલાથી કરોડો રૃપિયા પણ ટ્રાન્સફર થયા હતા આથી ઇડીના અધિકારીઓએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પૈસાનો ઉપયોગ 'વોટ જેહાદ' માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. અને તપાસની માગણી કરાઇ હતી. જેના કારણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.
આ કેસમાં મુખ્ય સૂત્રધાર સિરાજ અહમદ અને નાશિકમાં મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકના બ્રાન્ચ મેનેજર હોવાનું કહેવાય છે. ૧૨૫ કરોડના કૌભાંડના મામલે આજે ઇડીની ટીમ તપાસ માટે માલેગાંવમાં દાખલ થઇ હતી. હવે આ કેસમાં ઝડપી ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે.
આરોપી સિરાજ અહમદની ચા અને કોલ્ડ ડ્રીન્કની એજન્સી છે. ફરિયાદીનો ભાઇ ગણેશ તેના વાહનમાં સામાન સપ્લાય કરતો હતો. સિરાજે ગણેશને કહ્યું હતું કે તે મકાઇનો ધંધો કરવા માગે છે અને તેને ખેડૂતો પાસેથી પૈસા વસૂલવા માટે બેંકના ખાતાની જરૃર છે. તેણે ગણેશ, ફરિયાદી જયેશ અને અન્ય ૧૦ જણ (પ્રતિક જાધવ, પવન જાધવ, મનોજ મિસાળ, ધનરાજ બચ્છાવ, રાહુલ કાળે, રાજેન્દ્ર બિંડ, દિવાકર ઘુમરે, ભાવેશ ઘુમરે, લલિત મોટે, દત્તાત્રે ઉષા) પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ, સિમકાર્ડ લીધા હતા. તેમના નામથી બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. ખાતા ખોલાવવા માટે ફોર્મ, એફડી ફોર્મ, લોન ફોર્મ અન્ય પર સિરાજે તમામની સહી લીધી હતી. આના બદલામાં સિરાજે તેમને માલેગાંવની એપીએમસી માર્કેટમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ ૧૨ ખાતા સિવાય સિરાજે તેના મિત્રોના નામે વધુ બે ખાતા ખોલાવ્યા હતા.
ઈડી દ્વારા નાસિક, મુંબઈ, સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા માલેગાવમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બેન્ક ખાતાં માટે જેમના આધાર અને પાનનો ઉપયોગ થયો તેમના ઘરે પણ તપાસ કરાઈ હતી .
૧૫૩ બેંક શાખામાં ૨૨૦૦ ટ્રાન્ઝેક્શન
માલેગાંવના મોહમ્મદ સાજીદ (ઉં.વ.૪૫) અને મોઇન ખાનના ખાતા અનુક્રમે ગંગાસાગર એન્ટરપ્રાઇઝ અને ધનરાજ એગ્રાના નામે છે. આ ૧૪ ખાતા ૨૩ સપ્ટેમ્બરથી ત્રીજી ઓક્ટોબરની વચ્ચે ખોલવામાં આવ્યા હતા. ઇડીની ટીમે બેંકમાંથી તમામ ૧૪ ખાતાઓના સ્ટેટમેન્ટ એકત્રિત કર્યા છે. ૨૧ ઓક્ટોબરના એકાઉન્ટ ફ્રીઝ થાય ત્યાં સુધીમાં કુલ ૨૨૦૦ વ્યવહાર થયા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં કુલ ૧૫૩ બેંક શાખાઓ સાથે ૨૨૦૦ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. કેટલીક બોગસ કંપનીઓ તથા પેઢીઓને પણ કરોડો રુપિયા ડાયવર્ટ થયા છે.
પાંચ બેંક ખાતા સ્થગિત
ઇડીના આ તમામ ખાતાઓની માહિતી મેળવી રહી છે. એમાં ડેબિટના ૩૧૫ વ્યવહારો છે. ૧૭ ખાતામાંથી અંદાજે ૧૧૧ કરોડ રૃપિયા ડેબિટ કરવામાં આવ્યા છે. આરોપી સિરાજ અહમદે ૪ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબરની વચ્ચે ગંગાસાગર એન્ટરપ્રાઇઝ અને ધનરાજ એગ્રોમાંથી ચેક દ્વારા રૃા. ૧૪ કરોડ ઉપાડી લીધા હતા.
તેણે ૧૪ કરોડમાંથી હવાલા મારફતે રૃા. ૯.૫૯ કરોડ મુંબઇ મોકલ્યા છે. બાકીની રકમ વિશે માહિતી મળી શકી નથી. ઇડીએ મુંબઇમાં હવાલા સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરી છે. દરમિયાન તેમને પૈસા લેનાર વ્યક્તિની માહિતી મળી છે. ૧૭માંથી બે ખાતા માલેગાવ- બેંક ઓફ મહારાષ્ટ્ર અને એક્સિસ બેંકના છે. ઇડીએ બેંક ઓફ મહારાષ્ટ્રના તમામ ખાતાઓના બેંક સ્ટેટમેન્ટ લીધા છે. ઇડીએ પાંચ બેંક ખાતાઓ ફ્રિઝ કરી દીધા છે.
કરચોરીનો પ્રયાસ કર્યો?
રૃા. ૪૫ કરોડ પ્રગતિ ટ્રેડર્સ અને અમદાવાદની એક્સિસ બેંકના એમ કે માર્કેટિંગને ગયા છે. શકમંદો કેટલીક કંપનીઓ માટે ટેક્સની ઉચાપત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.