શરદ પવારની એનસીપીના નેતા અનિલ દેશમુખ સામે સીબીઆઈએ નવો કેસ નોંધ્યો
વિધાનસભા ચૂંટણી પૂર્વે ફડણવીસ દ્વારા નિમ્ન સ્તરનું રાજકારણ : દેશમુખ
મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ગિરીશ મહાજનને ખોટા ગુનામાં ફસાવવાનો આરોપ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ભાજપના નેતા ગિરીશ મહાજનને મકોકા હેઠળ ખોટા કેસમાં ફસાવવા પોલીસ પર દબાણ લાવવાનો તેમના પર આરોપ છે.
સીબીઆઈએ આ કેસમાં અગાઉ વિશેષ સરકારી વકીલ પ્રવિણ ચવ્હાણ અને અન્ય આરોપી બનાવ્યા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રવિણ મુંઢેએ અનિલ દેશમુખ વિરુધ્ધ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સીબીઆઈએ દેશમુખ સામે કેસ નોંધ્યો હતો. હવે કેસ દાખલ થયા બાદ અનિલ દેશમુખે ટ્વિટ કરીને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે 'નિમ્ન સ્તરની રાજનીતિ કરવામાં આવી રહી છે. '
'ગિરીશ મહાજન પર ગુનો દાખલ કરવા અનિલ દેશમુખે દબાણ કરવા હતા, એવો આરોપ પ્રવિણ મુંઢેએ તેમના નિવેદનમાં કર્યો હતો. દેશમુખે અંદાજે ચારથી પાંચ વખત એસપી મુંઢેને ફોન કર્યો હતો. તેમણે ધમકીની ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. તેમણે બળજબરીથી ગિરીશ મહાજનને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડયું હતું. તેમજ પ્રવિણ ચવ્હાણને દેશમુખે એસપી મુંઢે પાસે મોકલ્યા હતા.
અગાઉ દેશમુખ સામે ૧૦૦ કરોડના કૌભાંડનો આરોપ કરવામાં આવ્યો હતો. દેશમુખની ધરપકડ પણ કરાઈ હતી તે લાંબા સમય સુધી જેલમાં હતા.