અકસ્માત પૂર્વે પોલીસી રદ થયાની જાણ કરી ન હોય તો દાવો ચૂકવવો પડે

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
અકસ્માત પૂર્વે પોલીસી રદ થયાની જાણ કરી ન હોય તો  દાવો ચૂકવવો પડે 1 - image


અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને વળતરનો આદેશ

પે એન્ડ કવર સિદ્ધાંત હેઠળ વીમા કંપની જવાબદારઃ રિક્ષા-ટ્રક અકસ્માતમાં પ્રવાસીના મોતના કેસમાં ચુકાદો

મુંબઈ :  પોલીસી રદ થઈ હોય  અને વાહન માલિકને અકસ્માતની તારીખ પૂર્વે તેની જાણ કરવામાં આવી ન હોય તો પોલીસી રદ કરવા છતાં પણ વીમા કંપની પે એન્ડ કવર સિદ્ધાંત હેઠળ જવાબદાર ઠરે છે, એવો મહત્ત્વનો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે.

ઔરંગાબાદ બેન્ચે એચડીએફસી એર્ગોએ કરેલી અપીલ ફગાવી દીધી હતી. જળગાંવ મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે કંપનીને અકસ્માતમાં મૃત્યુપામેલી વ્યક્તિના પરિવારને વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો અને વાહનમાલિક પાસેથી રકમ મેળવવા જણાવ્યું હતું.

પોલીસ રદ થયાની જાણકારી અકસ્માતની તારીખ પૂર્વે વીમા ધારકને જાણ કરી હોવાનો પુરાવો અપીલકર્તા રજૂ કરી શક્યા નથી. અપીલકર્તાએ જણાવ્યા મુજબ માહિતી આપી હતી પણ પૂરું સરનામું નહોવાથી માહિતી પહોંચી શકી નહોતી. પણ હકીકત એ  છે કે જાણકારી વીમાધારક સુધી પહોંચી નથી, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.

ઓટો રિક્ષા અને ટ્રકના અકસ્માત સંબંધી કેસ છે જેમાં રિક્ષાના પ્રવાસીનું મોત થયુંહતું. આગળના ટ્રકે ઓચિંતી બ્રેક મારતાં પાછળથી રિક્ષા ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકના પરિવારે રૃ.૨૫ લાખનું વળતર રિક્ષા માલિક અને વીમા કંપની પાસેથી માગ્યું હતું. વીમા કંપનીએ વાંધો ઉઠાવીને દલીલ કરી હતી કે પોલીસીધારકનો પ્રીમિયમનો ચેક ખાતું બંધ હોવાને કારણે બાઉન્સ થયો હોવાથી પોલીસી રદ થઈ હતી.

ટ્રિબ્યુનલે આંશિક દાવો માન્ય કર્યો હતો અને વાહન માલિકને રૃ. ૩,૮૭,૦૦૦ ચૂકવવા જણાવ્યું હતું. વીમા કંપનીને આ રકમ ચૂકવવા જણાવીને બાદમાં વાહન માલિક પાસેથી વસૂલવા આદેશ આપ્યો હતો.



Google NewsGoogle News