ગુજરાતની સગીરાને ફિલ્મોમાં કામ અપાવવાને બહાને મુંબઇ લાવી શોષણ
જબરજસ્તીનો પ્રયાસ થતા સગીરા હોટલ રૃમમાંથી ભાગી છૂટી
ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટરહોવાનો દાવો કરતા સાજીદ ખાનની પોલીસે હોટલની રૃમમાંથી કરી ધરપકડ
મુંબઇ : મુંબઇ પોલીસે એક સગીરાનું શોષણ કરવાના આરોપસર સાજીદખાન નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોતાને ગુજરાતી ફિલ્મોનો ડાયરેક્ટર ગણાવતા ખાન સામે પોલીસે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. ખાન સગીરાને ફિલ્મોમાં કામ અપાવવાને બહાને મુંબઇ લાવ્યો હતો અને સગીરાનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પીડિતા મૂળ ગુજરાતની છે અને સોશિયલ મીડિયા પર વીડિયો- રિલ્સ બનાવી અપલોડ કરે છે. પીડિત સગીરાની મુલાકાત તેના કાકાએ ૧૩ ડિસેમ્બરના રોજ ખાન સાથે કરાવી હતી. સગીરાના કાકાને એવો વિશ્વાસ હતો કે ખાન, સગીરાને અક્ટિંગ શિખવાડી તેને ફિલ્મોમાં કામ અપાવશે પોલીસ સૂત્રોનુસાર પીડિતાના પરિવારજનોએ પણ ખાન પર ભરોસો મૂક્યો અને આ વાતનો ફાયદો ઉઠાવી ખાન ૨૪ ડિસેમ્બરના પીડિતાને મુંબઇ લઇ આવ્યો અને અંધેરીની એક હોટલમાં રાખી હતી.
ગત પચ્ચીસમી ડિસેમ્બરના સવારે ખાને સગીરા સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાથી સગીરા ખૂબ જ ગભરાઇ ગઇ હતી અને હોટલ રૃમની બહાર દોડી ગઇ હતી. અહીંથી તે પોલીસ મથકમાં પહોંચી ગઇ હતી અને પોલીસને આ વાતની જાણ કરી હતી. આ ઘટના બાદ પોલીસની એક ટીમ ખાન જે હોટલમાં સગીરા સાથે રોકાયો હતો ત્યાં પહોંચી ગઇ હતી અને હોટલ રૃમમાંથી ખાનની ધરપકડ કરી હતી. પોલીસે ખાન સામે પોક્સો સહિત આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી હતી.