યુવતીને નોકરીનું કહીને કંપનીમાં બોલાવી યુવકે દુષ્કર્મ આચરી ધમકી આપી
વહેલાલમા આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઘટના
ક્રેડિટ કાર્ડ ડીવીઝન કરતા વધારે પગાર અપાવવાની ખાતરી આપી હતીઃ કણભા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
અમદાવાદ,શુક્રવાર
શહેરના જશોદાનગરમાં રહેતી અને ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ ડીવીઝનમાં કામ કરતી યુવતીને વધારે પગાર સાથેની નોકરી અપાવવાની ખાતરી આપીને એક વ્યક્તિ તેને વહેલાલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલી ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ વાતની જાણ કોઇને નહી કરવાની ધમકી આપી હતી. આ અંગે કણભા પોલીસે યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. શહેરના જશોદાનગરમાં રહેતા ૨૨ વર્ષીય યુવતી નરોડામાં એક બેંકના ક્રડિટ કાર્ડ ડીવીઝનમાં ટેલીકોલર તરીકે કામ કરે છે. એક મહિના પહેલા તેણે નરોડા હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા ચેતન પંચાલ નામના યુવકને ક્રેડિટ કાર્ડ માટે કોલ કર્યો હતો. જેથી તેણે થોડા દિવસ બાદ કોલ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ કોલ કરતા ચેતન પંચાલે કાર્ડ લેવાનું કહીને યુવતીને મળતા પગાર અંગે પુછ્યું હતું. તેણે ઓફર આપી હતી કે તે યુવતીને તેની પ્લાસ્ટીકની ફેક્ટરીમાં ૧૨ હજાર રૂપિયાનો પગાર આપશે અન્ય બીજાને પણ નોકરી અપાવશે. ત્યારબાદ મોબાઇલ નંબર મેળવીન કોલ કરીને ૩૧મી જુલાઇના રોજ તે યુવતીને વહેલાલમાં આવેલી પ્લાસ્ટીકની ફેક્ટરી બતાવવા અને કામ સમજાવવા માટેનું કહીને કારમાં સાથે લઇ ગયો હતો. જ્યાં તેણે ઓફિસ બંધ કરીને તેના પર બળજબરી કરી દુષ્કર્મ આચરીને આ વાતની જાણ કોઇને ન કરવાની ધમકી આપી હતી અને યુવતીને નોકરીમાં વધુ સારો પગાર આપવાનું કહ્યું હતું. તેની સાથે બનેલી ઘટનાને કારણે ગભરાઇ ગયેલી યુવતીએ આ અંગે તેમના એક નજીકના પરિચિતને જાણ કરી હતી.જેના આધારે કણભા પોલીસ મથકે ચેતન પંચાલ નામના પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક સામે ગુના નોંધ્યો હતો.