Get The App

વેજલપુરમાં મજાકમાં લમણે પિસ્તોલ રાખીને ટ્રીગર દબાવી દેતા યુવકનું મોત

દારૂના નશામાં બે ટ્રીગર દબાવ્યા બાદ ત્રીજી વાર ખોપડી વિધાંઇ ગઇ

મૃતક તેની સ્ત્રી મિત્ર અને ડ્રાઇવર સાથે રૂપેશ સોસાયટીમાં તેના બંગલામાં આવ્યો હતો વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરીઃદારૂના નશામાં ફાયરીંગ કર્યાની આશંકા

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
વેજલપુરમાં મજાકમાં લમણે પિસ્તોલ રાખીને ટ્રીગર દબાવી દેતા યુવકનું મોત 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના વેજલપુરમાં આવેલી રૂપેશ સોસાયટીમાં રવિવારે  રાતના સમયે એક યુવકે મજાક મજાકમાં તેની લાયસન્સ વાળી પિસ્તોલમાં ત્રણ ગોળી ભરીને લમણે રાખ્યા બાદ ટ્રીગર દબાવ્યું હતું. જેમાં ત્રીજી વાર ગોળી તેના માથામાં  ઘુસી જતા  સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવ બન્યો ત્યારે મૃતકની સ્ત્રી મિત્ર અને ડ્રાઇવર ત્યાં હાજર હતો.  તેમણે વેજલપુર પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે ગુનો નોંધીને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.  મૃતકે દારૂના નશામાં  આ પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે વેજલપુરમાં આવેલી વિભાવરી સોસાયટી વિભાગ-૧માં રહેતા ૩૬ વર્ષીય દિગ્વીજયસિંહ રાજપુત  જમીન મકાન લે વેચનો વ્યવસાય કરતો હતો. દિગ્વીજયસિંહનું બીજું મકાન વેજલપુર મોના પાર્કની બાજુમાં આવેલી રૂપેશ સોસાયટીમાં હતું. જ્યાં તે અવારનવાર આવતો જતો હતો. રવિવારે રાતના તે તેના ડ્રાઇવર સપ્તદીપ વૈદ (રહે. ન્યુ મંગલદીપ ફ્લેટ, જીવરાજ પાર્ક) સાથે કારમાં રૂપેશ સોસાયટી ખાતે આવ્યો હતો. આ સમયે તેની સાથે તેની સ્ત્રી મિત્ર પણ હતી.  આ સમયે રાતના બે વાગ્યના સુમારે દિગ્વીજયસિંહે તેની લાયસન્સ વાળી રિવોલ્વરમાં ત્રણ ગોળી લોડ કરી હતી અને મજાક કરતા કરતા પોતાના લમણા પર મુકી હતી. આ સમયે બે વાર ટ્રીગર દબાવતા ગોળી છુટી નહોતી. પરંતુ, ત્રીજી વાર દબાવતા ગોળી તેના લમણાને ચીરીને નીકળી ગઇ હતી. જેમાં તે સ્થળ પર જ ઢળી પડયો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે ડ્રાઇવર સપ્તદીપે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વેજલપુર  પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં હથિયાર જપ્ત કરીને ફોરેન્સીકમાં મોકલી આપ્યું હતુ.  સાથેસાથે ડ્રાઇવર અને મૃતકની સ્ત્રી મિત્રનું નિવેદન લઇને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં દિગ્વીજયસિંહને દારૂ પીવાની આદત હોવાનું જાણવા મળ્યું હતુ અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ તે દારૂના નશામાં હોવાની માહિતી પોલીસને મળી છે. જે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે તપાસ કરવામાં આવશે.


Google NewsGoogle News