બળાત્કાર જેવા ગુનાના પિડીતો માટે ફોરેન્સીક સાયકોલોજી મહત્વની બનશે
વર્લ્ડ સોસાયટી ફોર વિક્ટિમોલોજી પરિસંવાદનો પ્રાંરભ
ગાંધીનગર એનએફએસયુ ખાતે પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં નવ દેશો ભાગ લેશે
અમદાવાદ,રવિવાર
બળાત્કાર, શારિરીક માનસિક ત્રાસ સહિતના ગુનામાં આરોપી વિરૂદ્ધ કાર્યવાહી થાય છે. પરંતુ, ગુનાનો ભોગ બનેલા લોકો પર તેમની સાથે બનેલી ઘટના ગંભીર અસર છોડે છે. જેથી તેમને એક ચોક્કસ હકારાત્મક વાતાવરણ મળે અને અનેક કિસ્સામાં સમાજ પુનઃ સ્થાપન કરી શકે તે માટેની ૧૮મી વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે થયો છે. જેમાં પિડીતો માટે ફોરેન્સીક સાયન્સની ભૂમિકાને લઇને વિવિધ દેશોમાંથી આવેલા નિષ્ણાંતો દ્વારા એક બ્લુ પ્રીન્ટ તૈયાર કરાશે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે રવિવારથી ૧૮મી વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના પાંચ દિવસીય આંતરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ કરાયો હતો. પરિસંવાદમાં યુએસએ, કેેનેડા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન, તાઇવાન, જર્મની અને મંગોલિાયના વિક્ટિમોલોજીના નિષ્ણાંતો જોડાયા છે. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં બનતા બળાત્કાર, ધમકી, શારિરીક-માનસિક ત્રાસ જેવા ગંભીર ગુનાઓના પિડીતોને પડતી મુશ્કેલીઓમાંથી બહાર લાવીને તેમને પુનઃસ્થાપન કરવા માટે તેમજ અનેક ગંભીર કિસ્સામાં ભોગ બનવાથી તેમને સમાજના મુખ્યપ્રવાહમાં જોેડવા અંગેના વિવિધ નિરાકરણ લાવવા માટે નિષ્ણાંતો બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે. ખાસ કરીને ફોરેન્સીક સાયકોલોજીની મદદથી આ ક્ષેત્રમાં સૌથી નોંધનીય કામ થઇ શકે તેમ હોવાથી ફોરેન્સીકની મદદ લેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ઉદ્ધઘાટન સમારોહમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ જિતેન્દ્ર કુમાર મહેશ્વરી, વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના પ્રમુખ પ્રો. જેનિસ જોસેફ અને એનએફએસયુના કુલપતિ ડૉ. જે એમ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.