રૂના ગાદલા, ઓશિકા અને રજાઈ હવે ભૂતકાળ બન્યા: મેમરી ફોમ અને ડનલોપનું વધતું ચલણ

આજે વિશ્વ કપાસ દિવસ: શહેરી વિસ્તારમાં અનેક પીંજારા બેકાર બન્યા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
રૂના ગાદલા, ઓશિકા અને રજાઈ હવે ભૂતકાળ બન્યા: મેમરી ફોમ અને ડનલોપનું વધતું ચલણ 1 - image


અમદાવાદ, શનિવાર તા. 07 ઓક્ટોબર, 2023

   દિવાળીની સફાઈ શરૂ થતા તડકે સૂકાતા ગાદલા ઘરના આંગણામાં તેમજ ધાબા પર ગોઠવાયેલા જોવા મળે છે. પરંતુ છેલ્લાં દસ- બાર વર્ષથી રૂની જગ્યા મેમરી ફોમ અને ડનલોપના ગાદલાએ લઈ લીધી છે. દર વર્ષે ૭ ઓક્ટોબરના રોજ  વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરાય છે. કપાસને બધા માટે વાજબી અને ટકાઉ બનાવવાની વાતો વચ્ચે મેટ્રેસ ઇન્ડસ્ટ્રી સિન્થેટિક મટીરિયલમાંથી બનતા મેમરી ફોમ તરફ વળી રહી છે.  

 આજથી પંદરેક વર્ષ પહેલાં દિવાળીના થોડા દિવસ અગાઉ  ગાદલા, ઓશીકા, રજાઈ વગેરેમાં નવું રૂ પીંજવવા લોકો બજારમાં આપી આવતા હતા. એક સીઝનમાં એક દુકાનને આશરે ૨૦૦થી ૨૫૦ ગાદલામાં રૂ પીંજવવાના તથા નવા ગાદલા બનાવવાના ઓર્ડર મળતા હતા. મેમરી ફોમ અને ડનલોપના ગાદલા આવી જતા આજે આ સંખ્યા ઘટીને ૪૦થી ૫૦ સુધી સીમિત થઈ ગઈ છે. ઉપરાંત શિયાળામાં ૫૦૦ જેટલી રજાઈનું વેચાણ એક દુકાને થતું હતું. સામન્યપણે એક વિસ્તારમાં આવી ૫થી ૭ દુકાનો હોય છે. જ્યારે વર્તમાનમાં માંડ ૫૦ રજાઈનું વેચાણ થાય છે. આ અંગે વેપારી મુનીર અજમેરી જણાવે છે કે, આગામી આઠથી દસ વર્ષોમાં ભાગ્યે જ શહેરી વિસ્તારના બાળકોને રૂના ગાદલા તેમજ રજાઈ જોવાનો લાભ મળશે!

ચાર-પાંચ કારીગરો દુકાનોમાં રાખવા પડતા હતા, હવે માત્ર એકથી ચાલતું કામ

એક ડબલ બેડના ગાદલામાં આશરે ૩૫થી ૪૦ કિલો રૂ વપરાય છે. તેને તૈયાર કરવામાં ચાર કલાકનો સમય લાગે છે અને ૧૫૦૦ રૂપિયા લેબર ચાર્જ હોય છે. અગાઉ એક દિવસમાં ત્રણથી ચાર ગાદલા પીંજવાનું કામ આવતુ હતું. જ્યારે હવે આખા અઠવાડિયામાં મુશ્કેલીથી ૩-૪ જૂના ગાદલા સરખા કરાવવા લોકો આવે છે. ભૂતકાળમાં એક દુકાને ગાદલામાં રૂ પીંજવા માટે ચારથી પાંચ કારીગરો રખાતા હતા. અત્યારે માંગ ઘટી જતા માત્ર એક કારીગરથી કામ ચાલી જાય છે. જેથી કેટલાય રૂ પીંજનારા કારીગરો બેકાર થઈ ગયા છે.

દુકાનોમાં ગાદીની જગ્યાએ કાઉન્ટર, બેઠકમાં સેટીના બદલે સોફા ગોઠવાયા

રૂની ગાદીઓની માંગ ઘટવા પાછળના કારણોમાં બદલાઈ રહેલી જીવનશૈલી અને જીવનાધોરણ જવાબદાર ગણાય છે. અગાઉ કાપડની દુકાનોમાં ગાદલા પર બેસીને ગ્રાહકો ખરીદી કરતા હતા. આજના આધુનિક યુગમાં તે જગ્યા કાઉન્ટરે લઈ લીધી છે. ઉપરાંત પહેલાના જમાનામાં ઘરના બેઠક રૂમમાં સેટી મૂકાતી હતી. જેના પર રૂના ગાદલા પાથરવામાં આવતા હતા. આજે સેટીની જગ્યાએ હોલમાં સોફા ગોઠવાઈ ગયા છે.

વાડીના બદલે પાર્ટી પ્લોટ, હોટલમાં લગ્ન પ્રસંગ રખાતા રૂના ગાદલાની માંગ ઘટી

બીજી બાજુ પહેલાં મોટા ભાગ્યે વાડીમાં લગ્ન રખાતા હોવાથી રૂના ગાદલા અને ઓશીકા લોકો ભાડે મંગાવતા હતા. લગ્ન સીઝનમાં આ વસ્તુઓનું એડવાન્સ બૂકિંગ ચાલતું હતું. એક સાથે લોકો ૫૦થી ૧૦૦ ગાદલા ભાડે રાખતા હતા. જ્યારે આજે મુખ્યત્વે લગ્ન પ્રસંગ હોટલ તેમજ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવતા હોવાથી હવે બહુ ઓછા લોકો મહેમાનો માટે આવા ગાદલા લે છે. જેથી વર્તમાનમાં આખી સીઝનમાં માંડ ૬થી ૭ વખત ગાદી, ઓશીકા અને તે પણ માત્ર ૨૦થી ૨૫ની સંખ્યામાં ભાડે જાય છે. કેટલીક જગ્યાએ હવે સમૂહ લગ્નમાં પણ લોકો રૂ.૫૦૦થી ૭૦૦ના મેમરી ફોમવાળા ગાદલા રાખે છે.

 

 



Google NewsGoogle News