મહિલાના પતિને કેસમાં ફસાવવાની ધમકી આપી ત્રણ કરોડની માંગણી કરી
ઘરમાં કામ કરતી યુવતીએ ચોરીની ફરિયાદથી બચવા ગુનો નોંધાવ્યો
મોટેરામાં રહેતી યુવતી અને તેના ભાઇ વિરૂદ્વ સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાયોઃ વેપારીને ફસાવવા માટે અન્ય યુવતીની પણ મદદ લીધાનો આક્ષેપ
અમદાવાદ,
ગુરૂવાર
શહેરના સાબરમતીમાં આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્ટોક માર્કેટ બ્રોકરને ત્યાં કામ કરતી યુવતીએ નોકરી દરમિયાન તેમના ઘરમાંથી રોકડ અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરી હતી. જે સંદર્ભમાં બ્રોકર અને તેના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા યુવતીએ તેના ભાઇ સાથે મળીને બ્રોકરને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે તેને નાણાં ન મળતા યુવતીએ સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે પછી બ્રોકરના પત્નીએ યુવતી અને તેના ભાઇ વિરૂદ્વ બદનામ કરવાની ધમકી આપીને ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ મથકે નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સાબરમતી અચેર બસ સ્ટેન્ડ પાસે આવેલા શાશ્વત સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા સીતાકુમારી જૈને સાબરમતી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ મદનલાલ જૈન શાહીબાગ અસારવા માટે સીતા કન્સલટન્ટ નામથી બ્રોકર તરીકે કામ કરે છે. ગત ફ્રેબુ્રઆરી મહિનામા તેમને ત્યાં શ્વાતી શર્મા (નામ બદલેલ છે) (રહે., મોટેરા)એ નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. મદનલાલનું કામ તેમના સાબરમતીના ઘરેથી પણ થતુ હોવાથી શ્વાતીને તેમના ઘરે જ કામગીરી સોંપી હતી. થોડા દિવસ બાદ શ્વાતીના માતા પિતા મદનલાલના ઘરે આવ્યા હતા અને કોઇ કારણસર શ્વાતીને તેમના ઘરે જ રહેવાની વ્યવસ્થા કરી આપે તેવી રજૂઆત કરતા તે માની ગયા હતા. જો કે હોળીના દિવસે શ્વાતી ઘરેથી ચાલી ગઇ હતી. સીસીટીવી તપાસ કરતા તેણે દાગીના, ૫૦ હજારની રોકડ અને જરૂરી દસ્તાવેજો સહિત ૩.૨૦ લાખની મત્તાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે શ્વાતીને માતા પિતા અને ભાઇને જાણ કરતા તેણે ચોરીની કબુલાત કરી હતી. પરંતુ, માફીનામુ લખીને ચોરીની વસ્તુ આપવાનું કહેતા શ્વાતી શર્મા અને તેના ભાઇએ મદનલાલ અને તેમના પરિવારને ધમકી આપી હતી કે તે મદનલાલ વિરૂદ્વ બળાત્કારનો ગુનો દાખલ કરવાની ધમકી આપીને ત્રણ કરોડની માંગણી કરી હતી. જેથી ડરીને મદનલાલે ચોરીની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ મદનલાલને ત્યાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા વ્યક્તિને ભારતી કે તેના પરિવારના સભ્યોને સોસાયટીમાં પ્રવેશ ન આપવા માટે કહ્યું હતું. આ દરમિયાન સિક્યોરીટી ગાર્ડે તેમની દીકરીને નોકરી અપાવવાનું કહેતા ઇન્ટરવ્યુ લીધુ હતું. પરંતુ, તેની ઉમર નાની હોવાથી નોકરીએ રાખવીની ના કહી હતી. જેથી સિક્યોરીટી ગાર્ડની પુત્રી અને શ્વાતી શર્માએ મદનલાલને ફસાવવા માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અનુસંધાનમાં સીતાકુમારીએ સાબરમતી પોલીસ મથકે શ્વાતી અને તેના ભાઇ વિરૂદ્વ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.