પોલીસે ઇ ચલણ આપતાં મહિલાએ કહ્યું,મારું માથું ફોડીને ખોટો કેસ કરીશ..પોલીસના પગ પર વ્હીલ ફેરવી દીધું
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં રોંગ સાઇડ વાહનો સામે ઝુંબેશ ઉપાડનાર ટ્રાફિક પોલીસના એએસઆઇ સાથે એક મહિલાએ તકરાર કરી ધમકી આપતાં પોલીસે મહિલા સામે ગુનો દાખલ કર્યો છે.
અમિત નગર થી કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ સુધીના માર્ગ પર લોકો રોંગસાઇડ આવતા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ઝુંબેશ ઉપાડવામાં આવે છે. શુક્રવારે પણ આવી જ રીતે એએસઆઇ ભરત શીવાભાઇ ઇ ચલણની કામગીરી કરતા હતા ત્યારે સ્કૂટર પર અમનભાઇ ખોસલા અને તેમના પત્ની સલોની ખોસલા રોંગ સાઇડ આવતાં તેઓને અટકાવવામાં આવ્યા હતા.
પોલીસે ઇ ચલણ માટે નામ પૂછતાં મહિલાએ કહ્યું હતું કે,અમે નામ નહિ આપીએ.અમે કોઇ ચલણ ભરવાના નથી. ત્યારબાદ કાંઇક બોલીને સ્કૂટરની સ્ટિઅરિંગ હાથમાં લીધું હતું અને પોલીસના પગ પર વ્હીલ ચડાવી દીધું હતું.
પોલીસે કહ્યું છે કે,મહિલાએ એવી ધમકી આપી હતી કે,હું મારું માથું ફોડી નાંખીને ખોટો કેસ કરીશ.જેથી ફરજ પરના એએસઆઇએ હરણી પોલીસને બોલાવતાં મહિલાને પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી અને તેની સામે સરકારી ફરજમાં અડચણ ઉભી કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો.