પતિનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પત્ની બંને બાળકો સાથે ફરાર થઇ ગઇ
અમદાવાદ જિલ્લાના બારેજાના તડવી વાસની ઘટના
અગાઉ પણ મૃતકને પત્ની દ્વારા માર મારવામાં આવ્યાની ઘટના બની હતીઃ મૃતક પાસે કોઇ ખાસ કામધંધો ન હોવાને કારણે સતત ગૃહ કલેશ થતા હતા
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ જિલ્લાના બારેજામાં આવેલા તડવી વાસમાં રહેતી મહિલાએ તેના પતિનું ગળુ દબાવીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ કોઇ ખાસ કામધંધો કરતો ન હોવાના આરોપ મુકીને પત્ની દ્વારા તેને અનેક વાર માર મારવામાં આવતો હતો. ત્યારે ગુરૂવારે બંને વચ્ચેની તકરારે ઉગ્ર સ્વરૂપે લેતા પત્ની તેની હત્યા કરીને બંને બાળકોને લઇને નાસી ગઇ હતી. આ અંગે અસલાલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદ જિલ્લાના બારેજામાં આવેલા તડવી વાસમાં ૩૨ વર્ષીય કિરણભાઇ તડવી તેની પત્ની રેખા અને ૧૦ વર્ષના પુત્ર હર્ષ તેમજ સાત વર્ષના પુત્ર રોનક સાથે રહેતા હતા. કિરણભાઇ પાસે કોઇ ખાસ કામ ધંધો ન હોવાથી રેખા તેમના પર માનસિક અને શારિરીક અત્યાચાર કરતી હતી. ગત બુધવારે સાંજના સમયે રેખા તેના બને બાળકોને લઇને અચાનક નીકળી ગઇ હતી. જે બાદ કિરણભાઇના ભાભીએ તપાસ કરતા તે ચોંકી ઉઠયા હતા. કારણ કે કિરણભાઇને કપાળમાં ઇજા હતી અને તે બેભાન હતા. જેથી તેમણે અન્ય પરિવારજનોને જાણ કરીને ૧૦૮ ઇમરજન્સી પર કોલ કર્યો હતો. ત્યારે તબીબોએ કિરણભાઇને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ રિપોર્ટ આવ્યો હતો કે કિરણભાઇનું મોત ગળુ દબાવવાથી થયું હતું. જેના આધારે મૃતક કિરણભાઇના ભાઇ દશરથભાઇની ફરિયાદને આધારે કિરણભાઇની પત્ની રેખા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે સાંજે કિરણભાઇની હત્યા થઇ તે સાંજે રેખાએ તેમને કપાળમાં ઇજા પહોંચાડી હતી.એટલું જ નહી ત્રણ મહિના પહેલા માથામાં કોઇ વસ્તુથી માર મારતા ટાંકા આવ્યા હતા. આમ, પત્ની દ્વારા સતત શારિરીક ત્રાસ પણ આપવામાં આવતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.