Get The App

સ્માર્ટ સિટી તંત્રમાં સાચુ કોણ? સરસપુરમાં આંબેડકર હોલના રીનોવેશનના નામે અપાઈ રહેલી ખો

આર.ટી.આઈ.ના જવાબમાં હોલ માટે ૩૬ કરોડની રકમ ફાળવી હોવાનો જવાબ અપાયા બાદ પણ કામગીરી બંધ

Updated: Jun 1st, 2022


Google NewsGoogle News
સ્માર્ટ સિટી તંત્રમાં સાચુ કોણ? સરસપુરમાં આંબેડકર હોલના રીનોવેશનના નામે અપાઈ રહેલી ખો 1 - image


અમદાવાદ,બુધવાર,1 જુન,2022

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં એટલી હદે વહીવટ કથળી ગયો છે કે એની કોઈ હદ રહી નથી.સરસપુર વોર્ડમાં આંબેડકર હોલના રીનોવેશનના નામે તંત્ર અને સત્તાધીશો લોકોને રીતસરની ખો આપી રહ્યા છે.એક તરફ આર.ટી.આઈ.માં અરજદારને એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે,આ હોલના રીનોવેશન માટે ૩૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે.બીજી તરફ વર્ષ-૨૦૧૮-૧૯ના મ્યુનિ.ના બજેટમાં આ માટે પાંચ કરોડની રકમ ફાળવવામાં આવી હતી.આમ છતાં આ હોલના રીનોવેશનની કામગીરી અકળકારણોસર આગળ વધતી જ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત સપ્તાહે મળેલી બોર્ડ બેઠકમાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા નિરવબક્ષીએ સરસપુર વોર્ડમાં આવેલા ડોકટર બાબાસાહેબ આંબેડકર હોલના રીનોવેશનની કામગીરી તાકીદના ધોરણે શરુ કરવા અંગે રજુઆત કરી હતી.સરસપુર વોર્ડમાંથી ભાજપના નેતા ચૂંટાઈને કોર્પોરેટર બનેલા છે.ઉપરાંત બાજુમાં આવેલા ઠકકરનગર વોર્ડમાંથી શહેરના પ્રથમ નાગરિક અને મેયર એવા કિરીટ પરમાર ચૂંટાઈને  કોર્પોરેટર બનેલા છે.જોવાની બાબત તો એ છે કે,મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષના બે મુખ્ય હોદ્દેદારો હોવા છતાં આંબેડકરહોલના રીનોવેશનની કામગીરી આગળ ધપી શકતી નથી.

સરસપુર વોર્ડના ગૌરવ પરમાર દ્વારા માહિતી અધિકાર એકટ-૨૦૦૫ અંતર્ગત સરસપુરમાં આવેલા આંબેડરકર હોલ વિશે માહિતી માંગી હતી.તંત્ર તરફથી અરજદારને આપવામાં આવેલા જવાબમાં એમ કહેવામાં આવ્યુ છે કે,૪ ડીસેમ્બર-૨૦૨૦ના દિવસે આ હોલના રીનોવેશન માટે  ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતું.કુલ ચાર કંપનીઓ દ્વારા આ હોલના રીનોવેશનની કામગીરી માટે ટેન્ડર ભરવામાં આવ્યા હતા.આ હોલના રીનોવેશન માટે કુલ ૩૬,૯૩,૪૩,૮૨૨.૩૧ની રકમનું બજેટ ફાળવવામાં આવેલુ છે.એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ પ્રોજેકટ તરફથી અરજદારને આ પ્રમાણેનો લેખિત જવાબ આપવામાં આવે છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-૨૦૧૮-૧૯ના વર્ષમાં મંજુર કરવામાં આવેલા બજેટ પ્રમાણે આ હોલના રીનોવેશન માટે પાંચ કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી હતી.અહીં પ્રશ્ન એ થાય છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને સત્તાધીશો માટે પશ્ચિમ ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોનો જ વિકાસ મહત્વનો છે?જો જવાબ ના મા હોય તો પછી કયા કારણથી અમદાવાદ પૂર્વમાં વસતા લાખો લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે? કયા કારણથી સામાન્ય,ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સગવડ આપવાના બદલે તેમને ઉરાંગપટાંગ જવાબો આપવામાં આવી રહ્યા છે?


Google NewsGoogle News