ઘઉંમાં 100 કિલોએ 700 રૂપિયા સુધીનો તોતિંગ ભાવ વધારો !
- મોંઘવારીનો જબ્બર ભરડો, સામાન્ય માણસે રોટલી ખાવી પણ હવે મોંઘી પડશે
- છેલ્લા 25 વર્ષમાં ન જોવા મળ્યો હોય તેવો ભાવ વધારો ઘઉંમાં જોવા મળ્યો, ટેકાના ભાવ કરતા વધુ ઉંચા ભાવે ઘઉં બજારમાં વેચાઇ રહ્યા છે !
અમદાવાદ,તા.07 એપ્રિલ 2022, ગુરૂવાર
આ વર્ષે ઘઉંના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે ઉંચા જતા સિઝનમાં ઘઉં ભરાવવા માંગતા લાખો ગરીબ-મધ્યમવર્ગીય પરિવાર માટે ભારે મુશ્કેલી સર્જાઇ ગઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦૦ કિલો ઘઉંના ભાવમાં ૫૦૦ લઇને ૭૦૦ રૂપિયા સુધીનો તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગુણવત્તા પ્રમાણે ગત વર્ષે ૨,૦૦૦થી લઇને ૨,૮૦૦ રૂપિયામાં પ્રતિ ક્વીંટલ મળતા ઘઉંનો ભાવ આ વર્ષે બજારમાં ઘઉંની ગુણવત્તા મુજબ ૨,૫૦૦થી ૩,૫૦૦ રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે ઘઉંના આટલા બધા ભાવ ક્યારેય જોવા મળ્યા નથી. છેલ્લા ૨૫ વર્ષની વાત કરીએ તો આ ભાવ ખેડૂતોએ જોયો નથી કે આ ભાવે ગ્રાહકોએ ખરીદી કરવી પડી હોય તેવું બન્યું નથી.
મોંઘવારીએ ચારેબાજુથી ભરડો લીધો છે. જેમાં સામાન્ય વર્ગ બરાબરનો પિસાઇ રહ્યો છે, જીવનજરૂરી ખાદ્યચીજવસ્તુઓના ભાવ પણ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. જેણે ચિંતા વધારી મૂકી છે. ઘઉંના ચાલુ વર્ષે વધેલા ભાવ અંગે અમદાવાદના દસક્રોઇ તાલુકાના ભાવડા ગામના ખેડૂત દિનેશભાઇ માણેકલાલ પટેલના જણાવ્યા મુજબ તેમના જીવનકાળમાં આ પ્રથમ કિસ્સો છે કે જેમાં બજારમાં ઘઉં ટેકાના ભાવ કરતા વધારે કિંમતે વેચાઇ રહ્યા છે.
સરકારે ચાલુ વર્ષે ટેકાનો ભાવ ૧૦૦ કિલોના ૨,૦૧૫ રૂપિયા જાહેર કર્યા છે. એટલેકે ૨૦ કિલોનો ટેકાનો ભાવ ૪૦૩ રૂપિયા. જ્યારે બજારમાં ખેડૂતોને હાલ ૨૦ કિલો ઘઉંના ૪૪૦થી ૭૦૦ નો સારો એવો ભાવ મળી રહ્યો છે. લગભગ આ પ્રથમ વખત એવું બની રહ્યું છેકે ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજાર ભાવ મળી રહ્યો છે. અનાજ પકવતા ખેડૂતો માટે આ સારી સ્થિતિ છે . ગત વર્ષે ખેડૂતોને મણે ૩૪૫ થી ૩૫૦ નો જ ભાવ મળ્યો હતો.
જોકે બીજી તરફ આ ભાવ વધારાનો સીધો બોજો ગ્રાહકો પર જ પડનાર હોવાથી ગરીબોના ઘરમાં હવે ઘઉં પણ એક મોંઘી વસ્તુ બની રહેશે. ઘઉંમાં ભાવ વધારા અંગે ખેડૂતોનું માનવું છેકે હવામાનના કારણોસર આ વર્ષે અમદાવાદમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે. વિઘે ૪૫ મણ ઘઉં પાકતા હતા તેની સામે આ વર્ષે ૩૦ થી ૩૫ મણ ઘઉંનું ઉત્પાદન જોવા મળ્યું છે. અમદાવાદ જિલ્લામાં વાવેતર મોડું થયું હતું. નવેમ્બરની જગ્યાએ આ વર્ષે ડિસેમ્બરમાં કેનાલમાં પાણી છોડાયું , ફેબુ્રઆરીમાં થોડી ગરમી પડી જેના કારણે ઉત્પાદન ઘટ જોવા મળી, જો તા.૧ થી ૧૦ નવેમ્બર સુધીમાં પાણી આપી દીધુ હોત તો સમયમળી રહેતા ઉત્પાદન સારૂ થાત.
ઘઉંના ભાવ વધારા પાછળ રશિયા, યુક્રેન યુદ્ધ પણ જવાબદાર ગણાય છે. બંને દેશો ઘઉં પકવતા દેશો છે યુદ્ધ અને પ્રતિબંધોની સ્થિતિમાં ઘઉંના ઉત્પાદન, નિકાસ પર માઠી અસર થઇ છે. તેવામાં ભારતમાંથી બીજા દેશોમાં ઘઉંની નિકાસ થતા ઘઉંનું બજાર ઉચકાયું હોવાનું ખેડૂતો માને છે. ભારત પાસે ઘઉંનો જુનો સ્ટોક હતો અને નવી સિઝન આવી આમ ભારતે નિકાસ કરતા ખેડૂતોને સારા ભાવ મળ્યા. બીજી બાજુ ઘરઆંગણાના ગ્રાહકોએ વધુ ભાવે ઘઉં ખરીદવાની ફરજ પડી છે.
આ વર્ષે ખેડૂતોએ ઘઉંનો સંગ્રહ કર્યો નથી. ભાવ સારા મળતા બારોબાર ઘઉં વેચી દીધા છે. બજારમાં ઘઉં ૪૯૬, એમ.પી.શરબતી, ઇનોવા, લોકવન સારી ગુણવત્તાવાળા ઘઉં ગણાય છે લોકોમાં તેની ભારે માંગ હોય છે. જ્યારે ઘઉં ૪૫૧, ૧૭૩, ૨૭૩ ઘઉં ઓછી ગુણવત્તાવાળા હોવાથી તેને મીલમાં મોકલી દેવાય છે આ ઘઉંને ખેડૂતો મીલબર ઘઉં તરીકે ઓખળે છે.
ડીએપી ખાતર ન મળતા ઘઉંનું ઉત્પાદન ઓછું થયું !
આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થવા પાછળના કારણોમાં ખેડૂતો ડીએપી ખાતર ન મળવાના કારણને મુખ્ય ગણી રહ્યા છે. ખેડૂતોને વાવણી સમયે ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતર ન મળવાના કારમે ઘઉંનો વિકાસ બરોબર ન થયો, તંદુરસ્તી ન સચવાઇ તેના કારણે પુરતું પોષણ ન મળતા ઘઉંનું ઉત્પાદન ઓછું થયું હતું.
ઘઉંના બજાર ભાવની સ્થિતિ ( ભાવ ૧૦૦ કિલોના)
ઘઉં |
ગત વર્ષ |
ચાલુ વર્ષ |
ભાવ વધારો |
મધ્યમ ગુણવત્તાવાળા ઘઉં |
૨,૦૦૦થી ૨,૧૦૦ |
૨,૫૦૦થી ૨,૭૦૦ |
૫૦૦ થી ૬૦૦ |
એમ.પી.શરબતી ઘઉં |
૨,૭૦૦થી ૨,૮૦૦ |
૩,૨૦૦થી ૩,૫૦૦ |
૫૦૦થી ૭૦૦ |
ઘઉંના ટેકાના ભાવ (૧૦૦ કિલોના)
વર્ષ ૨૦૨૦-૨૧ |
વર્ષ ૨૦૨૧-૨૨ |
૧,૯૭૫ |
૨,૦૧૫ |
રાજ્યમાં ઘઉંનું વાવેતર કેટલું થયું ?
ઘઉં |
હેક્ટર |
પિયત |
૧૨,૨૫,૯૨૦ |
બિન પિયત |
૨૮,૧૮૯ |
કુલ |
૧૨,૫૪,૧૦૯ |