વડોદરામાં ખાદ્ય પદાર્થોનો વ્યવસાય કરનારા વેપારીઓને 15 દિવસમાં લાઇસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા આરોગ્ય અમલદારની સૂચના
વડોદરા,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા કોર્પોરેશનના ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરની જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ શહેરના નાગરીકોને શુધ્ધ અને ગુણવત્તાયુક્ત ખાધ્ય પદાર્થ મળી રહે તે જરૂરી છે. જે માટે ખાધ્ય પદાર્થના વેચાણ/ ઉત્પાદન/ સંગ્રહ કે પરીવહન સાથે સંકળાયેલ પેઢી જેવી કે રીટેલર/ હોલસેલર/ ડીસ્ટ્રીબ્યુટર/ મેન્યુફેક્ચરર/ હોટલ/ રેસ્ટોરન્ટ/ ટ્રાન્સપોર્ટર/ ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ (ઢાબા)/ક્લબ-કેન્ટીન/ લારી/ ગલ્લા/ પથારા/ફેરીયાઓ/ ટેમ્પરરી સ્ટોલ હોલ્ડર વિગેરે પાસે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે લાયસન્સ/રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ 12 લાખથી ઓછુ ટર્ન ઓવર ધરાવતી પેઢીએ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 31(2) અન્વયે રજીસ્ટ્રેશન મેળવવાનું હોય છે. રજીસ્ટ્રેશન વગર વેચાણ/ ઉત્પાદન/સંગ્રહ કે પરીવહન કરતી પેઢીઓએ રજીસ્ટ્રેશન મેળવવાની કાર્યવાહી દિન 7માં કર્યા સિવાય પેઢી ચાલુ રાખી શકાશે નહી કે ખાધ્ય પદાર્થોનું વેચાણ/ઉત્પાદન/સંગ્રહ કે પરીવહન કરી શકાશે નહી. જો તેમ કરતા જણાશે તો રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ વેપારીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 58 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રૂ.12 લાખથી વધુ ટર્નઓવર ધરાવતી પેઢીએ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 31(1) અન્વયે લાયસન્સ મેળવવાનું હોય છે. લાયસન્સ વગર વેચાણ/ઉત્પાદન/સંગ્રહ કે પરીવહન કરતી પેઢીઓએ લાયસન્સ મેળવવાની કાર્યવાહી દિન 7માં કર્યા સિવાય કોઇ પણ પેઢી ચાલુ રાખી શકાશે નહી કે ખાધ્ય પદાર્થોનું વેચાણ/ઉત્પાદન/સંગ્રહ કે પરીવહન કરી શકાશે નહી અને જો તેમ કરતા જણાશે જે લાયસન્સ વગર ધંધો કરતા ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ વેપારીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 63 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ધરાવતા ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ વેપારીઓએ લાયસન્સમાં જણાવેલ શરતોનુ પાલન કરવાનુ હોય છે. જેમાં મુખ્યત્વે શીડ્યુલ-4 મુજબ હાઇજીનીક કંડીશનનું પાલન કરવાનુ હોય છે. ઉપરાંત દર છ માસે પેસ્ટ કંટ્રોલ, ઉપયોગમાં લેવાતા પાણી/રો-મટીરીયલનું ટેસ્ટીંગ, ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ તમામનું મેડિકલ ફિટનેશ, લાયસન્સ ધરાવતા ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ વેપારીઓ પાસેથી જ રો-મટીરીયલ લેવાનુ તેમજ તમામ ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ વેપારીઓએ ટોપી, મોજા, એપ્રોન વિગેરે પહેરવાનુ હોય છે.
ઉપરોક્ત તમામ બાબત ધ્યાને લઇ ઇમ્પૃવમેન્ટ નોટીસ (સુધારણા નોટીસ) રજીસ્ટર્ડ ઇ-મેઇલ દ્વારા આપવામાં આવશે. જેની દિન ૧૫માં ખાધ્ય પદાર્થો સાથે સંકળાયેલ વેપારી દ્વારા પૂર્તતા ન થયેથી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.