માંડલના સીતાપુર આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના મામલે ગ્રામજનોનો હોબાળો
- કોરોનામાં અપૂરતા સ્ટાફથી દર્દીઓને હાલાકી
- ગ્રામજનોની રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય અધિકારી નવા તબીબ મૂક્યા તે પણ બપોર પછી ન આવ્યા
ડુમાણા : હાલમાં કોરોના વાયરસની ભયંકર મહામારી ચાલી રહી છે અને માંડલ તાલુકામાં પણ રોગચાળો વકર્યો છે. હાલમાં માંડલ ખાતે એક સામુહિક આરોગ્ય કેન્દ્ર છે તથા સીતાપુર, વિઠલાપુર અને ટ્રેન્ટ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. આમ એક સી.એચ.સી અને ત્રણ પી.એચ.સી છે.
બે દિવસ પહેલા માંડલ તાલુકાના સીતાપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ ચોક્કસ ડૉક્ટર ફરજ પર નહીં હોવાના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો, જેને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિ.પંચાયત અમદાવાદનાઓએ માંડલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ત્રણ ડૉક્ટરમાંથી એક વર્ગ-રના ડૉક્ટરની ૧પ દિવસ સુધી સીતાપુર ખાતે ફરજ બજાવવા હુકમ કર્યો હતો. જો કે અમોએ તા.રર/૦૪/ર૦ર૧ ના સાંજના ૩.૩૦ કલાક આસપાસ સીતાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેતાં ત્યાં કોઈ ડૉક્ટર હાજર હતાં નહીં અમોએ કેટલાંક આગેવાનને પુછતાં અને હોસ્પિટલના સ્ટાફને પુછતાં તેમને જણાવ્યું હતું કે આજે માંડલથી એક ડોક્ટર આવ્યા હતાં તે સવારે ૧૦ કલાકે હાજર થયા હતાં અને બપોરે ર વાગ્યા પછી નીકળી ગયા હતાં. જોકે ગ્રામજનોનું કહેવું હતું કે આ વિસ્તારમાં કોરોના વાયરસના ખુબ કેસો છે અહીં ડોક્ટરની ર૪ કલાક હાજરી હોવી જરૂરી છે પરંતુ માંડલ આરોગ્ય વિભાગમાં ડૉક્ટર સ્ટાફનો અભાવ હોવાથી આ પરિસ્થિતી સર્જાઈ છે.