વાર્ષિક ૩૬ ટકા વ્યાજ પર ૨૦ લાખ આપીને મકાન બારોબાર વેચી દીધું
વાસણામાં માથાભારે વ્યાજખોર સામે ફરિયાદ
નાણાંની વ્યવસ્થા થતા ફરિયાદીએ મકાન પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી
અમદાવાદ,શુક્રવાર
શહેરના વાસણામાં રહેતા રહેતા વ્યક્તિને ધંધાકીય કામ કામ માટે નાણાંની જરૂર હોવાથી મકાન પર એક વ્યક્તિ પાસેથી ૨૦ લાખ વાર્ષિક ૩૬ ટકાના વ્યાજે લીધા હતા. જે પૈકી વ્યાજખોરે પાંચ લાખ વ્યાજ પેટે કાપીને ૧૫ લાખ જ આપ્યા હતા. તેની સામે નવ લાખનું વ્યાજ પણ વસુલ્યું હતું. ત્યારબાદ કોઇકારણ વ્યાજની ચુકવણીમાં મોડુ થતા માથાભારે વ્યાજખોરે મકાન અન્ય કોઇ વ્યક્તિને વેચાણે આપી દીધું હતું. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વાસણામાં આવેલા સહજ સેફાયરમાં રહેતા યોગીતાબેન વછેટા તેમના બાળકો સાથે રહે છે. જ્યારે તેમના પતિ કુવૈતમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૨૦માં કોરોના સમયે યોગીતાબેનના પતિ અનિલભાઇને ફર્નિચરના ધંધામાં નુકશાન થતા નાણાંની જરૂરીયાત હતી. જેથી વાસણામાં આવેલા તેમના એક મકાન પર લોન લેવા માટે અરજી કરી હતી. પરંતુ, તેમની પાસે મકાનના વેચાણ દસ્તાવેજ ન હોવાથી લોન મળી નહોતી. જેથી તેમણે સપ્ટેમ્બર ૨૦૨૦માં તેમણે કુલદીપસિંહ ચાવડા (રહે. સનાતન બ્લોક, સેક્ટર-૨, અંબા ટાઉનશીપ, અડાલજ) ને મકાન ગીરવે આપીને રૂપિયા ૨૦ લાખ વાર્ષિક ૩૬ ટકા વ્યાજે લીધા હતા. જેની સામે તેણે પાંચ લાખ રૂપિયા એડવાન્સ વ્યાજ પેટે કાપીને ૧૫ લાખ આપ્યા હતા. બાદમાં પ્રતિમાસ ૬૦ હજારનું વ્યાજ વસુલવામાં આવતું હતું. અનિલભાઇએ તેને નવ લાખ રૂપિયા જેટલી રકમનું વ્યાજ ચુકવ્યું હતું. બાદમાં નાણાંકીય મુશ્કેલી પડતા વ્યાજ ચુકવી શકતા નહોતા. જેથી કુલદીપસિંહે ગીરવે લીધેલું મકાન પાલડી સમસ્ત બ્રહ્ય ક્ષત્રિય સોસાયટીમાં રહેતા શૈલેષ દેસાઇને ૩૧ લાખમાં વેચાણે આપી દીધું હતું. આ દરમિયાન નાણાંની વ્યવસ્થા થતા અનિલભાઇએ નાણાં ચુકવીને મકાન પરત માંગતા તેમનેધમકી આપવામાં આવી હતી. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.