Get The App

વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં સતત ગટરના પાણી ઠલવાતા તળાવની હાલત નર્કાગાર સમાન બની

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં સતત ગટરના પાણી ઠલવાતા તળાવની હાલત નર્કાગાર સમાન બની 1 - image


- તળાવમાં વરસાદી પાણી ઠાલવતી વરસાદી લાઈન સાથે જ ડ્રેનેજ લાઈન જોડી દેવાઈ છે

- તળાવમાં ગંદકીથી પરેશાન લોકો આંદોલનના મૂડમાં

વડોદરા,તા.7 નવેમ્બર 2023,મંગળવાર

વડોદરાની મધ્યમાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ તળાવની હાલત ગટરના સતત આવતા પાણીના કારણે નર્કાગાર સમાન થઈ ગઈ છે.તળાવ ગટરના પાણીથી ગંધાઈ ઉઠ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ સિધ્ધનાથ તળાવને 6.50 કરોડના ખર્ચે સુંદર બનાવવામાં આવ્યું હતું, એ પછી તળાવ પ્રત્યે કોર્પોરેશનના તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા તળાવની આ હાલત થઈ છે અને બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હોય તેવું જણાતું જ નથી. તળાવમાં ગટરનું પાણી આવી રહ્યું છે. જેના કારણે તળાવ ગટરના પાણીથી ભરાઈ ગયું છે, એટલું જ નહીં તળાવ ફરતે ચાલવા માટે વોકિંગ સ્પેસ બનાવવામાં આવી છે તે પણ ગટરના પાણીથી ભરાઈ ગઈ છે.

વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં સતત ગટરના પાણી ઠલવાતા તળાવની હાલત નર્કાગાર સમાન બની 2 - image

આ અંગે વિસ્તારના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરને કહેવા મુજબ શહેરના નવનાથ પૈકી સિધ્ધનાથ પ્રથમ નાથ છે એટલે કે નવનાથના દર્શન કરવા કોઈપણ વ્યક્તિ નીકળે એટલે સૌ પ્રથમ તળાવની બાજુમાં આવેલા સિધ્ધનાથ મંદિરના દર્શન કરે કાવડ યાત્રાનો પ્રારંભ પણ અહીંથી જ થાય છે. આ તળાવમાં અગાઉના વખતથી વરસાદી પાણી ઠલવાય તે માટે વરસાદી ગટર નાખવામાં આવી હતી કે જેના દ્વારા વરસાદનું પાણી તળાવમાં આવે, પરંતુ તંત્ર દ્વારા વરસાદી ગટર સાથે ડ્રેનેજ લાઈન જોડી દેવાતા ડ્રેનેજનું પાણી વરસાદી ગટર દ્વારા તળાવમાં આવી રહ્યું છે, તળાવના પાણી ઉપર લીલ જામી ગઈ છે. આ તળાવમા દુર્ગંધ ફેલાતા લોકોને રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સિધ્ધનાથ તળાવની તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. કોર્પોરેશનનું તંત્ર શહેરને સ્વચ્છતાની કામગીરીમાં અગ્રસ્થાને લાવવા માગતું હોય, ત્યારે સફાઈ પ્રત્યે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. સિધ્ધનાથ તળાવ મુદ્દે વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.


Google NewsGoogle News