Get The App

ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે રોષ, જેટકોની વડોદરા ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા અને દેખાવો

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે રોષ, જેટકોની વડોદરા ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા અને દેખાવો 1 - image

વડોદરા,તા. 21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

રાજ્ય સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)દ્વારા તાજેતરમાં વિદ્યુત સહાયકની 1224 પોસ્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે તા.13 માર્ચના રોજ વિવિધ સર્કલ કચેરીઓ દ્વારા પોલ ટેસ્ટ અને તા.9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. હવે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સપાટી પર આવ્યા બાદ જેટકો દ્વારા રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનની સમગ્ર ભરતી પ્રક્રિયા જ રદ કરી નાંખવાની જાહેરાત કરાયા બાદ ઉમેદવારોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. 

આ પરીક્ષામાં પાસ થયેલા સેંકડો ઉમેદવારો આજે સવારથી જેટકોની વડોદરા ખાતે આવેલી હેડ ઓફિસની બહાર ઉમટી પડયા હતા અને જેટકોના અધિકારીઓના નિર્ણય સામે ભારો રોષ વ્યક્ત કરીને ભરતી  પ્રક્રિયા રદ કરવાના નિર્ણયને પાછો ખેંચવા માટે તેમજ પસંદ થયેલા ઉમેદવારોને તાત્કાલિક એપોઈન્ટમેન્ટ લેટર આપવા માટે માંગ કરી હતી. 

ઉમેદવારોએ કહ્યુ હતુ કે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત માત્ર એક જ ઉમેદવારે કરી છે અને બીજા કોઈ ઉમેદવારોએ કોઈ જાતની ફરિયાદ નથી કરી. આમ છતા જેટકોના અધિકારીઓએ પોલ ટેસ્ટ થયાના નવ મહિના બાદ ગેરરીતિ થઈ હોવાનુ સ્વીકારીને પોલ ટેસ્ટની સાથે સાથે લેખિત પરીક્ષા પણ નવેસરથી લેવાનુ કહીને પાસ થયેલા ઉમેદવારો સાથે અન્યાય કર્યો છે. 

ઉમેદવારોનુ કહેવુ હતુ કે, પરીક્ષાના કોલ લેટરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયેલો છે કે, પોલ ટેસ્ટ થયા બાદ સ્થળ પર જ માર્ક આપવામાં આવશે અને જો કોઈને કોઈ બાબતે વાંધો હોય તો સ્થળ પર રજૂઆત કરવાની રહેશે. પાછળથી થયેલી રજૂઆત માન્ય નહીં ગણાય. તો પછી એક જ ઉમેદવારે પાછળથી કરેલી રજૂઆતને સ્વીકારીને કેમ જેટકોએ તપાસ સમિતિ બનાવી હતી? હવે નવ મહિના બાદ જેટકોએ આ રજૂઆતના આધારે ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરી છે. અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી જેટકો પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે અને જ્યાં સુધી અમને એપોઈન્ટમેન્ટ લેટર નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા જ ધરણા પર બેસીશું. દરમિયાન રેસકોર્સ સર્કલ વિસ્તારમાં ઉમેદવારોના દેખાવોના કારણે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ઉમેદવારોના રોષને જોતા પોલીસ કાફલો પણ સ્થળ પર આવી ગયો હતો. જોકે બપોર સુધી ઉમેદવારો સ્થળ પરથી હટવા માટે તૈયાર થયા નહોતા. 

- ઉમેદવારોએ અલગ અલગ રીતે  વ્યથા ઠાલવી

જેમ કે એક ઉમેદવારે કહ્યુ હતુ કે, કમાવાની ઉંમરે અમે હાથમાં પુસ્તકો પકડીને પરીક્ષા માટે મહેનત કરી છે અને હવે જ્યારે પરીક્ષા પાસ કરી છે ત્યારે જેટકો ભરતી કરવાની ના પાડી રહી છે

જો ગેરરીતિ થઈ હોવાની રજૂઆત થઈ હોય તો જેટકોના અધિકારીઓ વિડિયોગ્રાફી કરીને જોઈ લે. કારણકે પોલ ટેસ્ટની પણ વિડિયોગ્રાફી કરવામાં આવી હતી

પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ તો હવે એપોઈન્ટમેન્ટ લેટર મળશે તેવી આશા રાખીને જ્યાં નોકરી કરતા હતા તે નોકરી પણ છોડી દીધી છે અને હવે ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત થતા અમે તો ક્યાંયના રહ્યા નથી

ગત તા. 11 ડિસેમ્બરે અમે એપોઈન્ટમેન્ટ લેટર નહીં મળી રહ્યા હોવાની રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે અધિકારીઓએ કહ્યુ હતુ કે, આ માટે કાર્યવાહી ચાલી રહી છે અને હવે અચાનક ભરતી રદ કરવાની જાહેરાત કરાઈ છે. અમને અંધારામાં રાખવામાં આવ્યા છે. 

જેટકોએ એક ઉમેદવારને વાંધો પડયો હોવાથી બીજાને પણ અન્યાય કરીને પાડાના વાંકે પખાલીને ડામ આપવાની નીતિ અપનાવી છે. 

અમારુ દુખ અમે કહી શકીએ તેમ નથી. જિંદગી બરબાદ થઈ ગઈ હોય તેમ લાગે છે. નોકરીની આશાએ જે કામ ધંધો હતો તે પણ છોડીને બેઠા છે. 

- ગેરરીતિની ફરિયાદ કરનારાને નોકરીમાં રસ જ નથી

જેટકોના હેડ ક્વાર્ટરની બહાર ભેગા થયેલા ઉમેદવારોએ ગેરરીતિની રજૂઆત કરનારા ઉમેદવાર પર જ સવાલો ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, ભૂતકાળમાં પણ આ ઉમેદવાર આ પ્રકારે વિવાદ સર્જી ચુકયો છે. તેને નોકરીમાં રસ કરતા નેતાગિરીમાં વધારે રસ હોય તેમ લાગે છે. તેની એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ છે અને તેમાં તે કહે છે કે, મારા માટે આ ન વાઈની વાત નથી. 

એક ઉમેદવારે કહ્યુ હતુ કે, વિરોધ કરનારા ઉમેદવારને અમે વાંરવાર સમજાવ્યો હતો કે, તું કેમ આવુ કરી રહ્યો છે પણ તે માનવા માટે તૈયાર નહોતો. તેની સાથે કરેલી વાતનુ રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. 

- સરકારને ભરતી જ નથી કરવી, ગેરરીતિ તો બહાનુ છે

એક ઉમેદવારે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, તાજેતરમાં જ અહેવાલ સામે આવ્યો હતો કે, જેટકો દ્વારા સબ સ્ટેશનોમાં કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવશે. એવુ લાગે છે કે, જેટકોને અને સરકારને ભરતી કરવામાં રસ જ નથી અને આઉટ સોર્સિંગથી કામગીરી કરાવવી છે અને એટલે જ પરીક્ષાના નવ મહિના બાદ એક વ્યક્તિની રજૂઆતના આધારે ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરી દીધી છે. 


Google NewsGoogle News