વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે ફરી આંદોલન
-
- વડોદરામાં જેટકોની કચેરી સામે ગુજરાત આખામાંથી ઉમેદવારો એકઠા થયા
વડોદરા,તા.26 ડીસેમ્બર 2023,મંગળવાર
રાજ્ય સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયના પગલે ઉમેદવારોએ શરૂ કરેલા આંદોલન બાદ ગત તારીખ 22 ડિસેમ્બરે જેટકોના એમડી એ 48 કલાકમાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાત્રી આપ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ સમાધાન નહીં આવતા આજે ઉમેદવારો ફરીથી જેટકોની ઓફિસ સામે એકઠા થયા છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઉમેદવારોનું કહેવું છે કે ગેરરીતિનો આક્ષેપ છે એ પોલ ટેસ્ટ માટે છે પરીક્ષામાં ગેરરીતિ નથી થઈ છતાં જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે. જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો. ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરી નહીં આપે. આ વિકલ્પ કાયદાકીય રીતે શક્ય છે કે નહીં તેની વિચારણા કરવાની એમડી દ્વારા 22 ડીસેમ્બરે ખાતરી આપવામાં આવી છે. આ માટે જેટકોના અધિકારીઓએ અમારી પાસે 48 કલાકનો સમય માંગ્યો હતો.
48 કલાકનો સમય 24 ડિસેમ્બરે જ પૂરો થઈ ગયો હતો પણ 25 ડીસેમ્બરે નાતાલ હોવાથી અમે આજે અહીં વડોદરા ખાતે જેટકોની ઓફિસ ખાતે આવ્યા છીએ અને એમડી પાસે ખુલાસો માંગી રહ્યા છીએ કે 48 કલાકની મુદત વીતી ગઈ તમે શું નિરાકરણ લાવ્યા છો. આ પ્રશ્ન એક બે નહીં 5,200 ઉમેદવારોનો છે જો આજે સમસ્યાનું સમાધાન નહીં મળે તો અમે ગાંધીનગરમાં આંદોલન શરૂ કરીશું અને અન્યાય સામે કોર્ટમાં જઈશું.