બુધવારે શેર બજારમાં કડાકો થતાં વડોદરાના રોકાણકારોના રૃ.550 કરોડથી વધુનું ધોવાણ
ફ્યુચર એન્ડ ઓપ્શનવાળા અને આજે લઇને આજે જ વેચાણ કરતા ટ્રેડિંગ કરનારા લોકોને સૌથી વધુ નુકસાન
વડોદરા : શેર બજાર માટે બુધવારનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકાના પગલે એક જ દિવસમાં રોકાણકારોને રૃ.૧૪ લાખ કરોડથી વધુનું નુકસાન થયુ છે, જેમાં વડોદરાના રોકાણકારોને પણ રૃ.૫૫૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણકારોનું કહેવું છે.
વડોદરા સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખનું કહેવું છે કે 'મારો અનુભવ એવું કહે છે કે દર વર્ષે માર્ચ મહિનામાં તા.૧૦ થી ૩૦ વચ્ચે શેરબજારમાં કડાકો થતો હોય છે તેનું મુખ્ય કારણ એવું છે કે માર્ચ એન્ડમાં બેન્ક લેણાનું સેટલમેન્ટ કરવાનું હોય છે એટલે રોકાણકારો આ સમયગાળામાં શેરનું વેચાણ કરીને બેન્ક લેણું ભરપાઇ કરતા હોય છે.બીજું કારણ સેબીએ તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ સંબંધે બહાર પાડેલું જાહેરનામુ છે. સ્મોલ કેપ,મ્યુચ્યુઅલ ફંડે તા.૧૫ માર્ચ સુધી જણાવવું પડશે કે શેરબજાર જો તૂટે તો પૈસા ક્યાંથી લાવશે. રોકાણકારોના નાણાની સુરક્ષા અંગેની માહિતી આપવી પડશે.શેર બજાર સંવેદનશીલ છે. નાના મુદ્દાઓની પણ મોટી અસર પડે છે, જેમ કે ભારતે તાજેતરમાં ચીન સરહદે વધુ શસ્ત્ર સરંજામ ખડક્યો છે એવા સમાચાર આવ્યા. ચૂંટણી કમિશનરે રાજીનામું આપ્યું વગેરે બાબતોની પણ અસર પડી છે. જો કે શેર બજારના આ કડાકામા ફ્યુચર એન્ડ ઓપ્શનવાળા (માર્જિન ટ્રેડ કરતા લોકો) અને આજે લઇને આજે જ વેચનારા ટ્રેડિંગ કરનારા લોકોને સૌથી વધુ નુકસાન થશે. લાંબાગાળા માટે રોકાણ કરનારા ઇન્વેસ્ટર્સને કોઇ ફરક નહી પડે.
વડોદરામાં દોઢથી પોણા બે લાખ રોકાણકારો છે. મોટાભાગના લોકો ટ્રેડિંગ કરે છે અથવા તો સટ્ટો રમે છે એટલે આજના કડાકામાં વડોદરાના રોકાણકારોનું રૃ.૫૫૦ કરોડથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે.
વડોદરામાં ઇન્વેસ્ટર ઓછા અને ટ્રેડર્સ વધુ હોવાથી વધુ નુકસાન
શેર બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ઇન્વેસ્ટર્સની સંખ્યા વધુ છે, જ્યારે વડોદરા નોકરિયાતોનું શહેર છે. અહી નોકરી કરનારા લોકો, પેન્શનર લોકો અને નાના વેપારીઓ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પણ વધુ ટ્રેડિંગ કરે છે. ફ્યુચર એન્ડ ઓપ્શન કરનારા પણ છે એટલે શેર બજારમાં કડાકાના કારણે વડોદરામાં વધુ નુકસાન થવાની પૂરી સંભાવના છે
કડાકાનું એક કારણ અલ્ગોટ્રેડિંગ પણ હોઇ શકે છે
વડોદરાના શેરબજારના નિષ્ણાંતોનું કહેવું છે કે હવે ૯૦ ટકા મોટા બ્રોકરો કોમ્યુટર પ્રોગ્રામ આધારીત ટ્રેડિંગ કરી રહ્યા છે. આ પ્રોગ્રામો અલ્ગોરિધમ આધારીત હોય છે એટલે તેને અલ્ગોટ્રેડિંગ કહેવા છે. થાય છે એવુ કે પ્રોગ્રામમાં સેટ કરેલી ફોર્મ્યુલા હોય છે. એક વાર વેચવાલી ટ્રેન્ડ શરૃ થાય એટલે કોમ્યુટર શેર વેચાણ શરૃ કરી દે છે અને પછી પત્તાના મહેલની જેમ કડાકો થાય છે.