જો તંત્ર સરકારી નિયમોને વળગી રહ્યું હોત તો વડોદરામાં પૂરના લીધે વધુ વિનાશ સર્જાત

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
જો તંત્ર સરકારી નિયમોને વળગી રહ્યું હોત તો વડોદરામાં પૂરના લીધે વધુ વિનાશ સર્જાત 1 - image


Flooding in Vadodara : વડોદરા શહેરમાં વર્ષ 1976 કરતાં પણ વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. વરિષ્ઠ નાગરિકોનું કેહેવું છે કે, અમે અગાઉ ક્યારેય નથી જોઈ જોયું તેવું પૂર છેલ્લા વરસાદમાં જોયું છે. ત્યારે હવે પાલિકાના સૂત્રોએ દાવો કર્યો છે કે, અગમચેતીના ભાગરૂપે આજવાના દરવાજા 211.65 ફૂટે ખોલી દેવામાં આવ્યા હતા. જો નિયમ પ્રમાણે આજવાનું જળસ્તર 212 થવા દીધું હોત તો વડોદરામાં પૂરના પાણીનું જળસ્તર હજુ વધુ હોત અને ખાનાખરાબી પણ વધુ સર્જાઇ હોત. 

તા.28 ઑગસ્ટે વડોદરાએ દાયકાઓ અગાઉ કદી ન જોયું હોય તેવું પૂર જોયું છે. ત્યારે હવે તંત્રએ આજવા અને પ્રતાપપુરામાંથી છોડેલા પાણી અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આજવા અને પ્રતાપપુરાના જળસ્તર અંગે પાલિકા તંત્રએ જે રિસ્ક લઈને સરકારી નિયમો છેટા મૂકીને પગલાં લીધા અને વહેલા દરવાજા ખોલ્યા તેની વાત તંત્રના સૂત્રો કરી રહ્યા છે. તંત્રના સૂત્રોએ દાવો કર્યો છે કે, સરકારી નિયમ પ્રમાણે તા. 31 ઑગસ્ટ સુધી આજવાની જળ સપાટી 212 ફૂટ સુધી રાખવાની હોય છે.

તારીખ 22 ઑગસ્ટના રાત્રે 12 કલાકે આજવા સરોવરની સપાટી 211 ફૂટ હતી. આ દરમિયાન તા. 24 ઑગસ્ટના રોજ જાણવા મળ્યું કે, આજવા અને પ્રતાપપુરાના ઉપરવાસમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ત્યાં મુશળધાર વરસાદ થઈ શકે છે. આના પાણી સીધેસીધા વિશ્વામિત્રી નદીમાં આવતાંની સાથે જળસ્તર ખૂબ ઝડપથી વધી જશે. જેને ધ્યાનમાં લઈ તારીખ 24 ઑગસ્ટના બપોરે 12 કલાકે જ્યારે આજવાની સપાટી 211.65 ફૂટ એટલે કે આહવામાંથી પાણી છોડવાના જળસ્તરથી 0.35 ફૂટ ઓછી હતી ત્યારે આજવાના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂરથી કાંઠા વિસ્તારની અનેક સ્થાવર મિલકતોમાં મોટી તિરાડો પડી

એવી જ રીતે પ્રતાપપુરાના ઉપરવાસમાં પણ ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું હતું. તારીખ 23ના સવારે 8 કલાક પ્રતાપપુરાની સપાટી જે હકીકતમાં 225 ફૂટ રાખી શકાય તેના બદલે 222.50 ફૂટે હતી ત્યારે જ તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. તે પછી વડોદરા શહેર અને પ્રતાપપુરા અને આજવાના કેચપેટ એરિયામાં ખૂબ વરસાદ પડ્યો હતો.

બીજી રીતે સમજીએ તો વડોદરામાં અંદાજે 12 ઇંચ જેટલો જ્યારે આજવા અને પ્રતાપપુરાના કેચમેટ વિસ્તારમાં એનાથી વધુ વરસાદ નોંધાયો હતો. જે તમામ પાણી સીધેસીધું વિશ્વામિત્રી નદીમાં આવ્યું હતું. બન્ને સરોવરનું વિપુલ પાણી લેવા વિશ્વામિત્રીમાં મર્યાદિત અને સાંકડી જગ્યા હોવાથી વિપુલ માત્રામાં પાણી નદીની બહાર આવ્યું હતું. જો તંત્રએ તારીખ 31 ઑગસ્ટની રાહ જોઈ હોત અને આજવાનું જળસ્તર 212 ફૂટ થવા દીધું હોત તો હજુ વધુ ગંભીર પરિસ્થિતિ વડોદરા માટે સર્જાત અને પૂરના પાણીનું જળસ્તર હજુ વધુ આવી શકત.


Google NewsGoogle News