૨૦૦૬માં અપનાવેલી અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસીની હવે સમીક્ષા કરવી જરૃરી
સિટિ ટ્રાન્સપોર્ટ માટે યોગ્ય આયોજનની જરૃર, સાઇકલ ચલાવવા ફૂટપાથ અને લેન જરૃરી છે ઃ ડો.અગ્રવાલ
વડોદરા, તા.4 વર્ષ-૨૦૦૬માં અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી અપનાવવામાં આવી હતી ,હવે તેના પર પુનર્વિચારની જરૃર છે. રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિની સમીક્ષા કરવાની જરૃર ઊભી થઇ છે તેમ આજે વડોદરા આવેલા નીતિ આયોગના સિનિયર અધિકારી અને નિવૃત્ત આઇએએસ ડો.ઓ.પી. અગ્રવાલે જણાવ્યું હતું.
શહેરી પરિવહનના ટકાઉ ઉકેલો પર તેમણે કહ્યું હતું કે શહેરો આર્થિક વૃધ્ધિનું એન્જિન છે અને ગતિશીલતા એ એન્જિનનું ચક્ર છે. સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સોલ્યૂશન્સ પર તેમણે ઉમેર્યું હતું કે સિટિ ટ્રાન્સપોર્ટ માટે યોગ્ય આયોજનની જરૃર છે માત્ર રસ્તા પહોળા કરવાથી કે ફ્લાયઓવર બનાવવાથી સમસ્યા હલ નહી થાય. તેમણે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણ અને ગ્રીન હાઉસ ગેસના કારણે રસ્તાઓ પરની ભીડ ઓછી કરવી જરૃરી છે.
નાના શહેરો પણ હવે યોગ્ય કનેક્ટિવિટિ વગર જ મેટ્રો અપનાવી રહ્યા છે જે બિનવ્યવહારિક ઉકેલ છે. ખાસ કરીને વડોદરા જેવા શહેરો માટે સર્વગ્રાહી અભિગમની જરૃર છે. તેમણે કહ્યું હતું કે એઆઇ સાથે બુધ્ધિશાળી પરિવહન અને વધુ સંખ્યામાં ઇલેક્ટ્રિક બસો ટ્રાફિકની સમસ્યા અને વાયુ પ્રદૂષણ સામે સરળ ઉપાય છે પરંતુ સાઇકલ ચલાવવા માટે ફૂટપાથ અને લેન જરૃરી છે. તેમણે શહેરી ટ્રાફિક સમસ્યાઓ પર ફોક્સ કરતા જણાવ્યું હતું કે શહેરના માર્ગો ગૂંગળામણ કરતા બની ગયા છે તેનો ઉકેલ રસ્તાઓને પહોળા કરવાનો નથી પરંતુ પીક અવર્સમાં સતત વધતા વાહનોને નિયંત્રિત કરવાનો છે.
સોક્લિન દ્વારા યોજાયેલા સેમિનારમાં ગિફ્ટ સિટિના સ્વતંત્ર ડાયરેક્ટર પ્રો.ચેતન વૈદ્યએ શહેરમાં વધુ સારા વાહનવ્યવહાર માટે એક કમિટિ બનાવી ઉકેલનું સૂચન કર્યું હતું.