સજાતીય સંબંધના બહાને આવેલા ગઠિયાઓએ ઓનલાઇન નાણાં પડાવ્યા
શ્યામલ ચાર રસ્તા પાસે એક એપાર્ટમેન્ટની ઘટના
બે યુવાનોએ ગે યુવકને બદનામ કરવાની ધમકી આપી ગુગલ પે થી નાણાં મેળવ્યાઃ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,બુધવાર
શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ગે યુવકને ત્યાં જાતીય સંબધના બહાને આવેલા બે યુવાનોએ યુવકને બદનામ કરવાની ધમકી આપીને તેની પાસેથી ઓનલાઇન રૂપિયા ૧૬ હજાર પડાવી લીધા બાદ વધુ નાણાંની માંગણી કરી હતી. જેથી યુવકે ડરીને આસપાસના લોકોની મદદ માંગતા બંને યુવાનો નાસી ગયા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં અગાઉ ભાડેથી રહેતા એક યુવકે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તે ક્વીર કોમ્યુનિટી (ગે અને લેસ્બીયન) સાથે સંબધો ધરાવે છે. ગત મે મહિનામાં તે એક એપ્લીકેશનમાં લોગઇન કરીને તપાસ કરતો હતો ત્યારે એક યુવકના સંપર્કમાં આવ્યો હતો. જેથી યુવકને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. આ સમયે તેની સાથે અન્ય એક યુવક પણ આવ્યો હતો. જેણે મોબાઇલ ફોન લૂંટવાનો પ્રયાસ કરીને ગે યુવકને ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું અને જો નાણાં ન આપે તો તેને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી યુવકે તેના એક બેંક એકાઉન્ટમાંથી ૧૬ હજાર રૂપિયા લઇ લીધા હતા. ત્યારબાદ અન્ય એકાઉન્ટમાં વધારે નાણાં હતા. તેમાંથી પણ નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતા ગે યુવકે બુમાબુમ કરતા બંને જણા નાસી ગયા હતા. આ બાબતે ભોગ બનનાર યુવકે આનંદનગર સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ, સમગ્ર ઘટના સેટેલાઇટની હદમાં બની હોવાથી સેટેલાઇટ પોલીસે યુવકની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.