અમદાવાદમાં એક જ દિવસમાં હીટ સ્ટ્રોકના ૪૧ જેટલા કેસ નોંધાયાઃ બે મોત
શહેરમાં હીટ સ્ટ્રોકના બનાવોમાં ૧૦૦ ટકાનો ચિંતાજનક વધારો
૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા દિવસના સમયે ફ્રિકવન્સી વધારવામાં આવીઃહજુ એક સપ્તાહ સુધી હીટ સ્ટ્રોક સહિતના કેસ સામાન્ય કરતા વધારે રહેશે
અમદાવાદ,શુક્રવાર
ગરમીને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે ૧૦૮ ઇમરજન્સી સર્વિસમાં આવેતા કેસ પૈકી હીટ સ્ટ્રેકના કેસમાં ૧૦૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. ૧૦૮ ઇમરજન્સી સેન્ટરમાં મે મહિનામાં અત્યાર સુધી ૧૫૦૦ જેટલા કોલ આવ્યા છે. જેમાં ૧૧૦૦થી વધુ કોલ માત્ર છેલ્લાં એક સપ્તાહ દરમિયાન મળ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. હજુ આગામી એક સપ્તાહ સુધી ઓરેન્જથી માંડીને રેડ એલર્ટને શક્યતાને ધ્યાનમાં રાખીને ઓઆરએસ પાવડર, ઓક્સિજન સિલિન્ડર, ઉલ્ટી અને ઝાડાની દવા માટેના સ્ટોકમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે જ્યાં સુધી ગરમીની અસર છે ત્યાં સુધી લોકોને દિવસ દરમિયાન કામ વિના બહાર ન નીકળવા માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં એક સપ્તાહથી ગરમીના પારામાં થયેલા વધારાને પગલે ગરમીને લગતા હીટ સ્ટેક, પેેટના દુખાવા સાથે ઉલ્ટી, તાવ, ચક્કર આવવા જેવા કેસમાં વધારો જોવા મળ્યો છે. ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મે મહિનામાં અત્યાર સુધી ગરમીને લગતા ૧૫૦૦ જેટલા કોલ રીસીવ કરવામાં આવ્યા હતા. જેમાં ગત ૧૬મી મે થી ૨૪મી મે સુધીમાં રીસીવ કરવામાં આવેલા કેસની સંખ્યા ૧૧૦૦થી વધુ છે. આમ, છેલ્લાં નવ દિવસમાં કેસની સંખ્યામાં બમણાથી વધી છે. જે પૈકી અમદાવાદમાં હીટ સ્ટેકના કેસમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. જ્યારે માથુ દુખવુ , ચક્કર આવવા તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં ૩૫ ટકા સુધીનો વધારો થયો છે. જેમાં શુક્રવારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૧ જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા હતા. જે પૈકી બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાની માહિતી જાણવા મળી છે. આ સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે માહિતી મંગાવીને મૃત્યુના ચોક્કસ કારણ જાણવા માટે સુચના આપવામાં આવી છે. જો કે પ્રાથમિક દ્રષ્ટ્રિએ હીટ સ્ટેકના કારણે મૃત્યુ થયાનું તારણ તબીબોએ જણાવ્યું છે. આ સાથે આગામી એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ શહેરોમાં ઓરેન્જથી માંડીને રેડ એલર્ટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અનુસંધાનમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસના ચીફ ઓપરેશનલ ઓફીસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે હાલ ગરમીને લગતા કેસને ધ્યાનમાં રાખીને ઓઆરએસ, ઓક્સિજન , તેમજ અન્ય જરૂરી દવાનો વધારાનો સ્ટોક પણ એબ્યુલન્સમાં રાખવામાં આવી રહ્યો છે. જો કે આગામી એક સપ્તાહ સુધી સવારે ૧૧ થી સાંજના છ વાગ્યા સુધી કામ વિના બહાર ન નીકળવુ તે હિતાવહ છે.બીજી તરફ અમદાવાદ બાદ સુરત, છોટા ઉદેપુર અને નવસારીમાં ગરમીને લગતા કેસમાં વધારો જોવા મળ્યો હતો.
પ્રવાસન સ્થળોએ ૧૦૮ ઇમરજન્સી સેવા વધારવામાં આવી
હાલ વેકેશનના કારણે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો
ધસારો જોવા મળી રહ્યો છે. જેથી સોમનાથ, દ્વારકા, અંબાજી, કચ્છ, જુનાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી
સહિતના પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓમાં પણ કેસની સંખ્યામાં ૩૦ ટકા જેટલા વધારો થયો
છે. જેને ધ્યાનમાં રાખીને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવામાં વધારો કરવાની સાથે જરૂરી
દવાઓને સ્ટોક વધારવામાં આવ્યો છે.
રેડ એલર્ટમાં સાંજના સમયે હીટ સ્ટ્રોક થવાની શક્યતા
તબીબોના જણાવ્યા મુજબ ગરમીના કારણે સવારે ૧૧ વાગ્યાથી સાંજના
છ વાગ્યા સુધી બહાર નીકળતા સમયે જરૂરી સાવચેતી રાખવી . પરંતુ, હાલ પડી રહેલી ગરમીને
જોતા સાંજના સમયે પણ બહાર જતા સમયે પણ હીટ
સ્ટેક થવાની સંભાવના રહે છે. જેથી સાવચેત રહેવુ તે જરૂરી છે.