શેલા સ્થિત શાંતી બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપન સમયે મામલો બીચક્યો
હોસ્ટેલમાં રહેતા સિનિયર અને જુનિયર વિદ્યાર્થીના વાલીઓ વચ્ચે ઘર્ષણ
જુનિયર વિદ્યાર્થીનીના પરિવારના સભ્યએ થારને પુરઝડપે હંકારીને સ્કૂલનો દરવાજો તોડી નાખ્યોઃ અનેક વિદ્યાર્થીઓ સહિત ૧૨ લોકોને ઇજા પહોંચી
અમદાવાદ,રવિવાર
શેલામાં આવેલી શાંતી બિઝેનેસ સ્કૂલમાં શનિવારે રાતના ગણેશ સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થીની સાથે હોસ્ટેલમાં રહેતા સિનિયરને તરકાર થઇ હતી. જે બાબતની અદાવત રાખીને યુવતીએ તેના પિતા અને ભાઇ સાથે સ્કૂલ પર આવી હતી. ત્યારબાદ બે જુથ વચ્ચે મારામારી થઇ હતી. આ સમયે યુવતીના ભાઇએ થાર કારને પુરઝડપે હંકારીને સ્કૂલનો મુખ્ય દરવાજો તોડીને અદર પ્રવેશ કરીને એક વિદ્યાર્થીને ઇજા પહોંચાડી હતી. બંને જુથ વચ્ચે થયેલી મારામારીમાં ૧૨ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર બનાવની વિગતો ેએવી છે કે બોપલમાં આવેલા કદમ ફ્લેટમાં રહેતી પ્રાંચી પટેલ શાંતી બિઝનેસ સ્કૂલમાં પીજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. શનિવારે બપોરના સમયે ગણપતિ સ્થાપનાનો કાર્યક્રમ હોવાથી તે કોલેજના બીજા માળે તેના મિત્રો સાથે ઉભી હતી. આ સમયે કોલેજમાં અભ્યાસ કરતા યશ પાણેરીએ તેને નીચે ઉતરવા માટે કહ્યું હતું.
બાદમાં તેને જુનિયર હોવાનું કહીને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું.જેથી પ્રાંચીએ સમગ્ર બાબતે તેના પિતા ગૌતમભાઇ અને ભાઇ ધુ્રવીલને જાણ કરી હતી અને તમામ લોકો સ્કૂલ પર આવ્યા હતા. તેમણે યશને બહાર આવવા માટે કહ્યું હતું. આ સમયે તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ પ્રાંચીના પિતા અને ભાઇને જતા રહેવાનું કહેતા પ્રાંચીના ભાઇએ કારને પુરઝડપે હંકારીને સ્કૂલનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ કાર પોલ સાથે અથડાઇ હતી. આ સમયે કોલેજના વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને તેમણે ગૌતમભાઇ, ધુ્રવીલ અને અન્ય એક યુવક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે બોપલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે કહ્યું કે ઘટનાને પગલે હાલ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને બે લોકોની ધરપકડ કરવાની સાથે સીસીટીવી અને વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.