બે મિત્રોએ પ્રતિદિન બે ટકા નફાની લાલચમાં ૮૬ લાખ રૂપિયા ગુમાવ્યા
ઇન્સ્ટાગ્રામ પર આવેલી રીલ જોઇને ફસાયા
અઢી કરોડનો પ્રોફિટ મેળવવા માટે ૨૮ લાખનો ટેક્સ ભરવા માટેનું કહ્યુંઃ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધાયો
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ અને મોરબીમાં રહેતા બે મિત્રોને શેરબજારમાં રોકાણની સામે પ્રતિદિન બે ટકાનો નફો અપાવવાની લાલચ આપીને રૂપિયા ૮૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવી હતી. ભોગ બનનાર બે મિત્રોેને એપ્લીકેશનમાં અઢી લાખનો નફો ટ્રાન્સફર કરવા માટે ૨૮ લાખનો ટેક્સ માંગવામાં આવ્યો હતો. જે બાદ છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. શહેરના સિંધુભવન રોડ પર આવેલા મેપલ-૨માં રહેતા રૂદ્રેશભાઇ રાવલ જમીન મકાન લે વેચનું કામ કરે છે.ગત ૧૭મી એપ્રિલના રોજ તે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતા હતા ત્યારે શેરબજારમાં રોકાણમાં વળતરની પોસ્ટ આવી હતી. જેથી તેમણે રસ દાખવતા લીંક પર ટેપ કરતા તેમને વોટ્સએપ ગુ્રપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને સોક્સો બેંક એપમાં ઓનલાઇન રોકાણ કરીને પ્રતિદિન બે ટકા વ્યાજે નફો અપાવવા લાલચ આપી હતી. જેથી વિશ્વાસ કરીને રૂદ્રેશભાઇએ તેમના મોરબીમાં રહેતા અમિત પટેલ નામના મિત્ર સાથે મળીને કુલ ૮૬ લાખનું રોકાણ કર્યું હતું. તેમના રોકાણની સામે અઢી કરોડનો પ્રોફિટ ઓનલાઇન જોવા મળ્યો હતો. જે ઉપાડવા માટે તેમની પાસેથી ૨૮ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેથી શંકા જતા રૂદ્રેશભાઇએ તેમની સાથે કંપનીના નામે વાત કરતા અભિષેક શર્મા પાસે બેંકનું આઇડી અને સ્ટેટમેન્ટ માંગ્યું હતું. પરંતુ, તેણે આપ્યું નહોતું. જેથી શંકા જતા તપાસ કરી હતી. જેના આધારે તેમણે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.