નાના ચિલોડામાં વીજ થાંભલાથી કરંટ લાગતાં બે બાળકનાં મોત
વોટર વર્કસ પાસેની ઘટના
ક્રિકેટ રમતી વખતે બનેલી દુર્ઘટના: એક બાળકનો આબાદ બચાવ: વાયરો ભેગા થતાં કરંટ પસાર થયાની સંભાવના
અમદાવાદ, તા.19, ઓગસ્ટ 2019, સોમવાર
નાના ચિલોડા વિસ્તારમાં વોટર વર્કસ પાસે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, આ સમયે બાજુમાં આવેલા ઇલેકટ્રીકના થાંભલાને અડકતાં કરંટ લાગતાં બે બાળકના મોત થયા હતા. જો કે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં થાંભલાનો ગાળો ઉડીગયો હતો અને વાયરો ભેગા થઇ ગયા હોવાથી કરંટ લાગ્યો હોવાનું બહારઆવ્યું છે.
આ કેસની વિગત એવી છે કે નાના ચિલોડા વિસ્તારમાં નદી કિનારે ઢાંકણીપુરા પાસે વોટર વર્કસ નજીક ગઇકાલે સાંજે ૪ વાગે શ્રમજીવી પરિવારના બાળકો ક્રિકેટ રમતા હતા, આ સમયે બાજુમાં આવેલા ઇલેકટ્રીકના થાંભલાને અચાનક અડકતાં બે બાળકો ચોંટી ગયા હતા. આ બાળકને બચાવવા જતાં અન્ય એક બાળક કુદરતી રીતે દૂર ફેંકાયો હતો તેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે નાના ચિલાડામાં ઢાંકણીપુરા પાસે રબારીવાસમાં રહેતા અંકિત જોગેન્દ્રભાઇ શર્મા (ઉ.વ. ૬) અને વિજય ગોપાલભાઇ ઠાકોર (ઉ.વ.૮)ને ગંભીર અસર થતાં ઘટનાસ્થળે તકફડીયા મારીને મોતને ભેટયા હતા.
બચી ગયેલા બાળકે બુમાબુમ કરતાં સૃથાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇલેકટ્રીકના થાંભલા સાથે વીજ કરંટથી ચોંટી ગયેલા બે બાળકોને લાકડીની મદદથી થાંભલાથી દૂર કર્યા હતા પરંતુ બન્ને બાળકોને કરેંટની ગંભીર અસર થતાં મોતને ભેટયા હતા. જ્યારે ત્રીજા બાળકને પણ કરંટથી શરીરે ઇજા થતાં ત્રણેય બાળકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ, જે.જી. કામળીયાના જણાવ્યા મુજબ ત્રણેય બાળકો શ્રમજીવી પરિવારના હતા. પોલીસ તપાસમાં ઇલેકટ્રીકના થાંભલાનું વાયરીંગ જમીનમાં હતું. બે વાયરો ભેગા થઇગયા હોવાથી લોખંડના થાંભલામાં કરંટ પસાર થયો હતો. પોલીસે હાલ તો અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ બનાવની જાણ થતાં જીઇબીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કંટર લાગવાનું ચોક્કસ કારણ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મહિના અગાઉ લાંભા નજીક આવેલા એક એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં બાળકો રમતા હતા ત્યારે ઇલેકટ્રીક થાંભલાના જીવતા વાયરો ખુલ્લા હોવાથી થાંભલાની અડતકતાં એક બાળક મોત થયું, આ કેસ બનાવમાં તો સોસાયટી અને ઇલેકટ્રીક કંપનીની બેદરકારી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. ત્યાં આજે નાના ચિલોડામાં પણ થાંભલામાં કરંટ પસાર થતાં બે માસૂમ બાળકોના મોત થયા છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.