નવલખીમાં આવી જ રીતે 14 વર્ષની સગીરા પીખાઇ હતી,બે હવસખોરને આજીવન કેદ થઇ છે
આરોપીઓનો પત્તો નહિ લાગતાં વડોદરા પોલીસની મદદે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવી હતી
વડોદરાઃ શહેરના નવલખી ગ્રાઉન્ડ પર પાંચ વર્ષ પહેલાં આવી જ રીતે ૧૪વર્ષની સગીરાને હવસખોરોએ પીખતા ભારે ઊહાપોહ થયો હતો.
નવેમ્બર-૨૦૧૯માં ૧૪ વર્ષની સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી ત્યારે બે હવસખોરોએ યુવકને ધક્કો મારી ને ભગાડયો હતો અને સગીરાને ઝાડીમાં લઇ જઇ ગેંગરેપ કર્યો હતો.
બહુચર્ચિત બનેલા આ બનાવમાં વડોદરા શહેર પોલીસે મોબાઇલના ૪ લાખ થી વધુ ડેટા તપાસ્યા હતા અને ફૂટેજ પણ શોધ્યા હતા.પરંતુ આરોપીઓના સગડ મળતા નહતા. આ બનાવમાં વડોદરામાં ફરજ બજાવી ચૂકેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીએસઆઇ એચએમ વ્યાસ અને ટીમ મદદે આવ્યા હતા અને કિશન કાળુભાઇ માથાસુરિયા (તરસાલી ગુરૃદ્વારા પાસે,મૂળ રાજકોટ) અને જશો વનરાજ સોલંકી(સોમાતળાવ પાસે, ડભોઇરોડ મૂળ અમરેલી)ને ઝડપી પાડતાં કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
ઉપરોક્ત બનાવ બાદ તત્કાલીન પોલીસ કમિશનરે વડોદરાના જુદાજુદા ગ્રાઉન્ડો પર સીસીટીવી મુકાશે તેવી જાહેરાત કરી હતી.પરંતુ હજી સુધી અનેક ગ્રાઉન્ડ પર સીસીટીવી મૂકાયા નથી.