ગૂજરાત વિદ્યાપીઠ પાસેથી આદિવાસી શોધ કેન્દ્ર અંતે સરકારે લઈ લીધુ
૧૯૬૨થી વિદ્યાપીઠમાં કેન્દ્ર ચાલતુ હતું
ડાયરેકટરની નિમણૂંક તથા અસહકાર સહિતના મુદ્દે સરકારે કેન્દ્ર પોતાના હસ્તક લીધુ
અમદાવાદ,રવિવાર
ગાંધીજીએ આદિવાસીઓ
માટે ઘણું કામ કર્યુ પરંતુ ગાંધીજીની સંસ્થા એવી ગૂજરાત વિદ્યાપીઠ આદિવાસી શોધ કેન્દ્ર
યોગ્ય રીતે ન ચલાવી શકતા અંતે રાજ્ય સરકારે આ કેન્દ્ર વિદ્યાપીઠ પાસેથી લઈ લીધુ છે.
રાજ્ય સરકારે સોસાયટી બનાવી તેનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધુ છે અને જેના હેઠળ હવે
કેન્દ્ર ગૂજરાત સરકારના આદિજાતિ વિભાગની ગાંધીનગરની કચેરી ખાતેથી ચાલશે.આ કેન્દ્ર વિદ્યાપીઠમાં
૧૯૬૨થી ચાલતુ હતુ ત્યારે ૫૮ વર્ષે હવે કેન્દ્ર વિદ્યાપીઠમાંથી ખસેડી લેવાયુ છે અને
વિદ્યાપીઠમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આદિજાતી વિસ્તારમાંથી જ ભણવા આવે છે ત્યારે વિદ્યાપીઠ
પાસે જ જો કેન્દ્રનું સંચાલન ન રહે તો તે ગંભીર બાબત કહેવાય.
આદિવાસીઓના
ઘડતર ,આદિવાસી સંસ્કૃતિ તથા આદિવાસી શિક્ષણ-નઈ તાલીમના ગાંધીજીના વિચારો સાથે
૧૯૬૨માં કેન્દ્ર સરકાર દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ટ્રાયબલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ
ઈન્સ્ટિટયુટ (ટીઆરટીઆઈ- આદિવાસી શોધ અને તાલીમ કેન્દ્ર) શરૃ કરવામા આવ્યુ હતું.
ગાંધી મૂલ્યો સાથે શરૃ થયેલા આ કેન્દ્રમાં યોગ્ય રીતે કામ ન થતુ હોઈ અને વિદ્યાપીઠ
દ્વારા સરકારને જોઈતુ કામ બરોબર રીતે ન થતુ હોવાથી અંતે સરકાર દ્વારા વિદ્યાપીઠ
પાસેથી આદિવાસી કેન્દ્ર લેવા માટે ઘણા સમયથી પ્રક્રિયા ચાલી રહી હતી. થોડા મહિના
પહેલા સરકારે વિદ્યાપીઠને નોટિસ મોકલી કેન્દ્ર ચલાવવા પોતાના કમિશનર મુકી દીધા
હતા.મળતી માહિતી મુજબ આદિવાસી શોધ કેન્દ્રમાં ૨૦૧૬થી કાયમી ડાયરેકટર જ નથી તેમજ
ઘણા વર્ષોથી ડેપ્યુટી ડાયરેકટરની જગ્યા પણ ભરાઈ ન હતી.દરમિયાન થોડા સમય પહેલા
સરકારે આદિવાસી શોધ કેન્દ્ર પોતાના હસ્તક લઈ લીધા બાદ તાજેતરમાં કેન્દ્રને સંપૂર્ણ
રીતે વિદ્યાપીઠ પાસેથી લઈ લીધુ છે.
આદિજાતી વિભાગે આદેશ કરીને કેન્દ્રને વિદ્યાપીઠના પરીસરમાંથી ખસેડી ગાંધીનગરમાં આવેલી વિભાગની કચેરી બિરસા મુંડા ભવન ખાતે ખસેડયુ છે.હવે આ કેન્દ્રનુ હેડ ક્વાર્ટર ગાંધીનગરમાં સરકારના વિભાગ હેઠળ રહેશે.આ અંગે ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગના સેક્રેટરી અનુપમ આનંદે જણાવ્યું કે વિદ્યાપીઠ તરફથી જોઈએ તેટલો સહકાર મળતો ન હતો.સરકાર દ્વારા ઘણા સમયથી હસ્તાંતરણની પ્રક્રિયા ચાલતી હતી.સરકાર દ્વારા કેન્દ્રના ડાયરેકટર તરીકે કમિશનરને પણ ઘણા સમય પહેલા મુકી દેવાયા છે.ગુજરાત સરકાર દ્વારા એક સોસાયટી પણ બનાવાઈ છે અને તેનું રજિસ્ટ્રેશન કરી આ કેન્દ્રને સોસાયટી હેઠળ ચલાવવા વિદ્યાપીઠ પાસેથી લઈ લીધુ છે.જો કે વિદ્યાપીઠ ખાતે બનાવેલા ટ્રાયબલ મ્યુઝિયમ ત્યાં જ ચાલુ રહેશે. તેના દેખરેખ માટે સરકાર કર્મચારી મુકશે.વિદ્યાપીઠ પાસેની જોડાણ તોડવામા આવ્યુ નથી માત્ર સેન્ટર ત્યાંથી ખસેડી લેવાયુ છે.આગળની કોઈ પણ પ્રક્રિયા માટે જરૃર પડે વિદ્યાપીઠ મંડળ સાથે બેઠક કરી મદદ લેવાશે.જ્યારે સરકારે જે કમિશનરને ડાયરેકટર તરીકે મુક્યા છે તેઓને સોસાસાયટીનું નામ જ ખબર નથી. મહત્વનું છે કે રાજ્ય સરકારે ૩૦મી સપ્ટેમ્બરે વિદ્યાપીઠને લેખિત આદેશ કર્યા બાદ વિદ્યાપીઠે પણ કર્મચારીઓ,વહિવટ અને અન્ય રેકોર્ડ સંબંધીત ટ્રાન્સફરને લઈને ઠરાવ કર્યો છે.જે મુજબ ૨૦ કર્મચારીઓ છે અને સેન્ટરના બેંક એકાઉન્ટમાં ૧.૩૪ કરોડથી વધુની રકમ છે. સેન્ટરના હસ્તાંતરણ અંગે વિદ્યાપીઠના રજિસ્ટ્રારનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આદિવાસી શોધ કેન્દ્ર ચાલે છે.કેન્દ્ર સરકારે પોલીસી બનાવી દરેક રાજ્યમા તેને સોસાયટી હેઠળ રજિસ્ટર્ડ કરવા નક્કી કર્યુ છે.જેથી રાજ્ય સરકારે ટ્રાયબલ રીસર્ચ સોસાયટી બનાવી છે અને જેના હેઠળ હવે વિદ્યાપીઠ પાસેથી કેન્દ્ર લઈને સોસાયટી હેઠળ શરૃ કર્યુ છે.વિદ્યાપીઠે ૫૮ વર્ષથી આ સેન્ટરની ખૂબ જ સારી રીતે ચલાવી શોધ અને તાલીમના ઘણા કામો કર્યા છે.