આજથી અમદાવાદ-બોટાદ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે
- અમદાવાદ-ભાવનગર વચ્ચેનું અંતર 33 કિ.મી. ઘટી જશે
- પાલનપુર-રાધનપુર વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે, વડાપ્રધાન દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ-શિલાન્યાસ કરાશે
અમદાવાદ,તા.17 જુન 2022, શુક્રવાર
અમદાવાદ-બોટાદ વચ્ચે આજે તા.૧૮ જુનને શનિવારથી પેસેન્જર ટ્રેન દોડતી થઇ જશે. છેલ્લા પાંચેક વર્ષથી ચાલતી ગેજ પરિવર્તનની કામગીરી પુરી થતા વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગેજ પરિવર્તીત આ લાઇનનું લોકાર્પણ અને અમદાવાદ-બોટાદ પેસેન્જર ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે. અમદાવાદથી ભાવનગર ટ્રેનના માધ્યમથી જતા હવે ૩૩ કિ.મી.નું અંતર ઘટી જશે.
અમદાવાદ-બોટાદ વચ્ચે પહેલા મીટરગેજ લાઇન હતી. વર્ષ ૨૦૧૭થી તેને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. કુલ ૧૭૦ કિ.મી.લાબા આ રૂટના ગેજ પરિવર્તનનું કામ ૧,૫૫૦ કરોડના ખર્ચે પુરૂ થયું છે.ે
કુલ ૨૨ રેલવે સ્ટેશનો હશે, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર, સરખેજ, મટોડા, મોરૈયા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ-ગાંગડ, અરણેજ, લોથલ ભુરખી, લોલિયા, ધોળીભાલ, રાયકા, હડાલાભાલ, ધંધૂકા, ગતડી, ભીમનાથ, ચંદરવા, જાલીલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ રેલવે સ્ટેશને આ ટ્રેન રોકાશે.
વડાપ્રધાન દ્વારા આજે અમદાવાદ અને વડોદરા વિભાગના રેલવેને લગતા વિવિધ લોકાર્પણ અને શીલાન્યાસના કાર્યક્રમો યોજાશે. જેમાં લેપ્રસી ગ્રાઉન્ડ આજવા રોડ વડોદરાથી ડેડિકેટેડ ફ્રેટ કોરીડોરને પાલનપુર-મદાર સેક્શનનું લોકાર્પણ કરાશે. ગાંધીધામમાં લોકોમોટિવ મેઇન્ટેનન્સ ડેપો, પાલનપુર-મીઠા વચ્ચે રેલ વિધૃતિકરણ, પાલનપુર-રાધનપુર વચ્ચે ટ્રેક ડબલિંગનું લોકાર્પણ અને રાધનપુર-પાલનપુર વચ્ચે રેલ સેવાની શરૂઆત કરાશે.
મહેસાણા-પાલનપુર વચ્ચે ટ્રેક ડબલિંગ, સાબરમતી સ્ટેશનના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ, આદરજ મોટી-વિજાપુર, વિજાપુર-આંબલિયાસણ, કલોક,કડી,કટોસણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા લાઇનના ગેજ પરિવર્તનના કામોના પણ શિલાન્યાસ થશે.