૬૦ લાખની રોકાણની સામે ચાર ગણા વળતરની લાલચ આપી છેતરપિંડી
આનંદનગર પોલીસે દંપતિ સામે ગુનો નોંધ્યો
વડોદરામાં પ્લોટીંગ સ્કીમના રોકાણના નામે નાણાં લીધા હતાઃ તપાસમાં છેતરપિંડીના મોટા ખુલાસાની શક્યતા
અમદાવાદ,બુધવાર
મશીન પાર્ટસનો વ્યવસાય કરતા વેપારીને ૬૦ લાખના રોકાણની સામે ૭૫ દિવસમાં ચાર ગણુ વળતર આપવાની ખાતરી આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. વાસણામાં રહેતા દંપતિએ વડોદરામાં પ્લોટીંગ સ્કીમમાં રોકાણની સામે વળતરની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. આ અંગે આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે. સેટેલાઇટ શ્યામલ ચાર રસ્તા રીટ્રીટ ટાવરમાં રહેતા રાજુભાઇ ગાંધીએ નોંધાવેલી ફરિયાદને આધારે મશીનરીનો વ્યવસાય કરે છે. ગત ૨૮મી જાન્યુઆરીના રોજ રાજુભાઇની શાગ્રીલા આર્કેડમાં આવેલી ઓફિસમાં પ્રણય શાહ અને તેમના પત્ની દિપાબેન શાહ (બંને રહે. સેલર વિજય કોમ્પ્લેક્સ,વાસણા) આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની કંપની વડોદરાના સાવલીમાં જમીન ખરીદવા માંગે છે. જે માટે રૂપિયા ૬૦ લાખની જરૂર છે. આ ૬૦ લાખના રોકાણ સામે માત્ર ૬૦ થી ૭૫ દિવસમાં ચાર ગણું એટલે કે ૨.૪૦ કરોડનું વળતર મળશે. જેથી લાલચમાં આવીને રાજુભાઇએ ૬૦ લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરી આપ્યા હતા. જેની સામે સિક્યોરીટી પેટે ૬૦ લાખનો ચેક લીધો હતો. પરંતુ, નિયત સમય પસાર થયા બાદ વળતર જમા ન થતા તેમણે પ્રણય શાહનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે નાણાં આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. છેવટે આ અંગે રાજુભાઇએ આનંદનગર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.