બે હજારની ટિકિટના ૨૦ હજાર અને ૧૦ હજારની ટિકિટ એક લાખમાં વેચાઇ

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની બેફામ કાળાબજારી

ઓનલાઇન ટિકિટના નામે સોશિયલ મિડીયા પર લાખો રૂપિયા પડાવાયા મોટા પ્રમાણમાં બનાવટી ટિકિટો પણ હજારોમાં વેચાઇ હોવાનું બહાર આવ્યું

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
બે હજારની ટિકિટના ૨૦ હજાર અને ૧૦ હજારની ટિકિટ એક લાખમાં વેચાઇ 1 - image

અમદાવાદ, મંગળવાર

ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે.ત્યારે આ મેચને નિહાળવા માટે દેશ અને વિદેશમાંથી ખુબ મોટાપ્રમાણમાં દર્શકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે આ મેચને તમામ ટિકિટો વેચાઇ ચુકાઇ હોવા છંતાય,હજુ પણ મેચ જોવા માટે ક્રિકેટપ્રેમીઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેના કારણે ટિકિટને ઓનલાઇન અને ઓફલાઇન ખરીદીને  અનેકગણી કિંમતે કાળાબજારી કરવામાં આવી રહી છે. જે બે હજાર રૂપિયાની ટિકિટ ૨૦ હજાર રૂપિયા અને ૧૦ હજારની ટિકિટ રૂપિયા એક લાખ સુધીમાં વેચવામા આવી છે. આ ઉપરાંત, સોશિયલ મિડીયામાં ટિકીટ વેચાણના નામે ઓનલાઇન નાણાં લઇને છેતરપિંડી  કરવાના કિસ્સા પણ ધ્યાને આવ્યા છે. તેમજ કેટલાંક લોકોએ બનાવટી ટિકીટ વેચીને અનેક લોકો પાસેથી નાણાં ખંખેર્યા છે.  આમતંત્ર ટિકિટની કાળાબજારીને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.ભારત-પાકિસ્તાનની મેચને હવે ત્રણ જ દિવસ બાકી છે અને ઓનલાઇન ટિકિટ સોલ્ડ આઉટ થઇ હોવા ઉપરાંત ઓફ લાઇન પર ટિકિટો મળતી બંધ થઇ છે.જો કે આ પૈકીની ખુબ પ્રમાણની ટિકિટોની  કાળાબજારી કરતા લોકોએ કરી છે અને આ ટિકિટો અનેકગણી કિંમતે વેચવામાં આવી રહી છે. જેમાં બે હજારની ટિકિટનો ભાવ ૧૫ હજારથી શરૂ થઇને છેલ્લા ૨૨ હજાર સુધી ગયો છે. તેમજ ૨૫૦૦ રૂપિયાની  ટિકિટના ૩૦ હજાર  સુધી વેચવામાં આવી હતી.આ ઉપરાંત, ૩૫૦૦ રૂપિયાની ટિકિટ ૩૫ હજાર સુધી  વેચાણ માટે મુકવામાં આવી હતી. જ્યારે ચાર હજારની ટિકિટનો ભાવ ૪૦ થી હજારથી ૪૫ હજાર વચ્ચે ચાલી રહ્યો છે. તો ૧૦ હજાર રૂપિયાની ટિકિટ  એક લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવી રહી છે. આ ટિકિટોનું ગેરકાયદેસર વેચાણ કરનાર વ્યક્તિએ કહ્યું કે હવે મેચને ત્રણ જ દિવસ બાકી છે ત્યારે આ ટિકિટ ના કાળાબજારીના દરમાં પાંચ હજાર સુધીનો વધારો થઇ શકે છે.  આમ, હજારો ટિકિટ કાળાબજારીમાં વેચાઇ ચુકી છે.  જો કે પોલીસ આ રેકેટને કે ગેગને પકડી શકી નથી.

બીજી તરફ કેટલાંક લેભાગુ તત્વોએ  ભારત પાકિસ્તાનની બનાવટી ટિકિટો પણ વેચી છે.  આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનનાર એક વ્યક્તિએ કહ્યું કે મને સ્ટેડિયમ પાસે એક વ્યક્તિઅ બે હજારની ટિકિટ આઠ હજારમાં ઓફર કરી કરી હતી. આ સમયે કાળાબજારીમાં ટિકિટનો ભાવ ૧૫ હજાર સુધીનો હોવાથી આઠ હજારની રકમ ઓછી હોવાથી  તેમણે આ ટિકિટ ખરીદી લીધી હતી.જો કે ક્યુ આર કોડ સ્કેન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ટિકિટ નકલી છે. આ રીતે ગઠિયાઓએ અનેક લોકોને નકલી ટિકિટો પધરાવી હતી.

 તેમજ ઓનલાઇન વિવિધ સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ પર ટિકિટ વેચવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના કિસ્સા સામે આવ્યા છે.  આમ, ભારત પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચમાં કાળાબજારીઓ અનેક ગણી રોકડી કરી લીધી છે.

 


Google NewsGoogle News