શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૧૮થી વધુ ગેમિંગ ઝોનમાં તપાસ કરવામાં આવી

ફાયરબ્રિગેડ, પોલીસ અને ઇલેક્ટ્રીક સીટીના અધિકારીઓની ત્રણ ટીમ બનાવાઇ

અમદાવાદમાં ૪૫ જેટલા કાયદેસર ગેમઝોનની સામે બમણી સંખ્યામાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેમ ઝોનઃ વિવિધ ટીમના રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Updated: May 26th, 2024


Google NewsGoogle News
શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૧૮થી વધુ ગેમિંગ ઝોનમાં તપાસ કરવામાં આવી 1 - image

,રવિવાર

રાજકોટના ગેમ ઝોનના આગકાંડના પગલે  સમગ્ર રાજ્યના ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા હતા. જે બાદ  અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાલતા તમામ ગેમઝોન તાત્કાલિક અસરથી બધ કરાવવામાં આવ્યા હતા. આ ગેમ ઝોનમાં ફાયરબ્રિગેડ, પોલીસ, ઇલેક્ટ્રીક સપ્લાય કંપની તેમજ અન્ય નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ  રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં ત્રણ અલગ અલગ ટીમ બનાવીને રવિવારે અમદાવાદમાં ૧૮થી વધારે ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી.  સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમા ંરજીસ્ટર્ડ હોય તેવા ૪૫ જેટલા ગેમ ઝોન છે. જ્યારે તેનાથી બમણા ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલે છે.  અમદાવાદ ફાયર બ્રિગેડના એડીશનલ ચીફ ફાયર ઓફિસર મીથુન મિસ્ત્રીએ જણાવ્યું કે અમદાવાદમાં આવેલા ગેમઝોનમાં તપાસ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન અને પૂર્વ ઝોનના સીટી એન્જીનીયરની વડપણ આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. એક ટીમમાં સેન્ટ્લ વર્કશોપના આસીટન્ટ એન્જીનીયર, ચીફ ઓફિસર, ટોરેન્ટ પાવરના અધિકારી, ફાયર સ્ટેશનના અધિકારી અને એસીપી લેવલના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા રવિવારે ફનબ્લાસ્ટ ગોતા, ફન બ્લાસ્ટ સિંધુભવન, શોર્ટ,બાઉન્સ, અમદાવાદ વન મોલ, પેલેડિયમ મોલસહિત ૧૮ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી.  વિવિધ ટીમ ગેમિંગ ઝોનમાં તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરશે અને જેના આધારે જરૂર પડયે કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ ગેમ ઝોનમાં  વિવિધ મુદ્દાઓ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને રેવન્યુ ઓથોરિટી દ્વારા ગેમ ઝોનને પરવાનગી આપવામાં આવી છે કે કેમ? ગેમ ઝોનમાં મહત્તમ કેટલી વ્યક્તિને પ્રવેશની સંખ્યા નક્કી કરવામાં આવી છેગેમ ઝોનમાં એન્ટ્રી રૂટ ,એક્ઝીટ રૂટ અને ઇમરજન્સી એક્ઝીટ રૂટની જોગવાઇ છે કે નહી? અને જો જોગવાઇ છે તો તે પુરતા પ્રમાણમાં છે કે નહી? ઇલેક્ટ્રીકનું વાયરીંગ યોગ્ય રીતે કરાયું છે કે નહી? પાવરલોડ અને કેબલની ક્ષમતા પુરતી છે કે નહી? સાથે સાથે ઇન્ટોલ કરવામાં આવેલી ગેમ મજબુત છે કે નહીતે તમામ બાબતોને લઇને ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલા ગેમ ઝોનમાં તપાસની કામગીરી સોમવારે સવાર સુધીમાં પૂર્ણ કરવા માટે સુચના આવી છે. જે બાદ રિપોર્ટ તૈયાર કરીને મળી આવેલી ક્ષતિને આધારે કાર્યવાહી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ અનેક ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝીટ તેમજ ઇમરજન્સી એક્ઝીટ યોગ્ય રીતે નહોતા. સાથેસાથે કેટલાંક સ્થળોએ વાયરીંગ પણ નિયમો મુજબ નહોતુ. ખાસ કરીને વેકેશનના સમયમાં નિયત સંખ્યા કરતા વધારે લોકોને પ્રવેશ આપવામાં આવતો હોવાનું પણ વિવિધ ટીમને તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે. સાથેસાથે અમદાવાદમાં યોગ્ય લાયસન્સ કે પ્રમાણપત્રો વિના ગેરકાયદેસર રીતે ચાલતા ૫૦થી વઘુ ગેમ ઝોન ધમધમતા હોવાનું પોલીસ અને તંત્રના ધ્યાનમાં આવ્યું છે. જેની યાદી તૈયાર કરીને તમામ સંચાલકો સામે ગુનો નોંધીને ગેમ ઝોન કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

 

 તપાસ કરતી ટીમના રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમદાવાદ સહિત રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ રહેશે

રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યના તમામ  ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. જેમાં ફાયરબ્રિગેડ સહિત છ સભ્યોની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.  જે તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે ગેમ ઝોનને ચાલુ રાખવાની પરવાનગી આપવી કે નહી? તે અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ રાખવા માટે સુચના આપવામાં આવી છે. સાથેસાથે ગેરકાયદેસર રીતે ચાલતા ગેમ ઝોનનો રિપોર્ટ મળતા ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવશે.

 


Google NewsGoogle News