રિવરફ્રન્ટ ઉપર એક્ટિવા સ્લીપ થતા ત્રણ સગીર મિત્રો ઘાયલ
એક્ટિવા લઇ ફરવા નીકળ્યા, અકસ્માતનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં
પોલીસે પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદ, શુક્રવાર
જમાલપુર રિવરફ્રન્ટ ઉપર અટલબ્રિજ પાસેના રોડ પર ત્રણ સગીર એક્ટિવા લઈને ફરવા નીકળ્યા હતા. ઓવરસ્પીડમાં ચલાવતા હોવાથી વાહન સ્લીપ ખાતા ત્રણેય સગીરો ઈજાગ્રસ્ત થતા બેભાન થઇ ગયા હતા. આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને આ ઘટના અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે સગીરને એક્ટિવા ચલાવવા આપનાર તેના પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સગીર પુત્ર પાસે લાઇસન્સ ન હોવા છતાં ચલાવવા આપતા પોલીસે પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
ટ્રાફિક પોલીસ સ્ટેશનના બી ડિવિઝનમાં ફરજ બજાવતા અનાર્મ આસિ સબ ઈન્સ્પેક્ટર દિપકકુમારે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાહપુર ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૭ના રોજ સાંજે જમાલપુર ઇસ્ટ રિવરફ્રન્ટ ઉપર અટલબ્રિજ પાસે ૧૫ વર્ષનો સગીર અને તેના બે સગીર મિત્રો એક્ટિવા લઈને રિવરફ્રન્ટ ઉપર ફરવા નીકળ્યા હતા. આવરસ્પીડના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક્ટિવા સ્લીપ ખાઇ ગયું હતું
જેના કારણે ત્રણેય સગીરો રોડ ઉપર પટકાતા ઈજાગ્રસ્ત થયા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ટ્રાફિક પોલીસે વાહન ચાલક સગીર હતો અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં સગીરને વાહન ચલાવવા આપ્યું હતું. જેથી સગીરના પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.