રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપી રૂપિયા ૧.૬૧ કરોડ પડાવી લેવાયા
મહિલા સહિત એક જ પરિવારના ત્રણ લોકો સામે ફરિયાદ
વકીલે નાણાં માંગતા મહિલા છેડતી અને અન્ય લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની ધમકી આપી
અમદાવાદ,મંગળવાર
શહેરના નરોડામાં વિસ્તારમાં રહેતા વકીલ પાસે એફીડેવિટ કરાવવા માટે આવેલી એક મહિલા અને તેના પરિવારના અન્ય બે સભ્યોએ રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ૩૨ લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી કરી હતી. વકીલે તેના રોકાણના નાણાં પરત માંગતા મહિલાએ છેડતીની અને અન્ય લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. બીજી તરફ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ અન્ય લોકો સાથે મળીને કુલ રૂપિયા ૧.૬૧ કરોડની છેતરપિંડી કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. નરોડામાં રહેતા સુજલભાઇ સોંલકી વકીલ તરીકે પ્રેક્ટીશ કરે છે ે. વર્ષ ૨૦૧૮માં અમિત પ્રજાપતિ (રહે.સોમનાથ ફ્લેટ, ઇન્ડિયા કોલોની, બાપુનગર) નામનો યુવક આવ્યો હતો. તેણે જણાવ્યું કે તે અમરિકાથી આવ્યો છે અને તેના પત્ની સધ્યા અને તેનો ભાઇ નિલેશ પ્રજાપતિ વાયદા બજારમાં રોકાણ કરાવીને સારૂ વળતર અપાવે છે. જે માટે તેણે અન્ય ગ્રાહકો માટે સુજલભાઇ પાસે એગ્રીમેન્ટ ફોર્મેટ તૈયાર કરાવ્યું હતું.ત્યારબાદ સંધ્યા અને નિલેશ સાથે મુલાકાત થતા તેમણે સુજલભાઇને રોકાણ કરવા માટે ઓફર આપી હતી. જેથી વિશ્વાસ કરીને બચતના ૧૮ લાખ રૂપિયા રોક્યા હતા. એટલું જ નહી તેમની પત્નીના નામે છ લાખની અને બીજી આઠ લાખની લોન લઇને કુલ ૩૨ લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને બેંકમાં એકાઉન્ટમાં વળતર જમા કરાવતા હતા. જે અચાનક બંધ કરી દીધા હતા. પરંતુ, લોનનો હપતો આવતો હોવાથી સુજલભાઇ તેમને વળતર આપવાનું કહ્યું હતું પરંતુ,એક મહિના પછી આપવાનું કહેતા તેમને શંકા ઉપજી હતી અને નરોડા રોડ પર આવેલી ઓફિસ પર તપાસ કરતા તે બંધ જોવા મળી. ેએટલું જ નહી અમિત, તેની પત્ની સંધ્યા અને નિલેશ સોમનાથ ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. થોડા દિવસ બાદ તે નાના ચિલોડા કોરલ બંગ્લોઝમાં હોવાનું જાણવા મળતા સુજલભાઇએ ત્યાં તપાસ કરી ત્યારે સંધ્યાએ ધમકી આપી હતી કે તે છેડતીના કેસમાં સુજલભાઇને ફસાવી દેશે. જ્યારે અમિત અને નિલેશે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરી ખોટા કેસની ધમકી આપી હતી. જેથી સુજલભાઇ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ સુજલભાઇ ઉપરાંત, અન્ય લોકો સાથે કુલ ૧.૬૧ કરોડની છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી છે.